નવી દિલ્હી : સુનાવણી દરમિયાન દિલ્હી સરકાર વતી રાહુલ મેહરાએ કહ્યું કે, દરરોજ 18 હજાર ટેસ્ટ કરવામાં આવે છે. છેલ્લા 5 દિવસમાં 89290 ટેસ્ટ કરવામાં આવ્યા છે. સિનિયર નર્સિંગ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે જેથી ગંભીર રીતે બીમાર દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં મુશ્કેલી ન થાય.
ગત 22 જૂનના રોજ હાઈકોર્ટે કહ્યું હતું કે, દિલ્હી સરકારે કોરોના ટેસ્ટ કરવા માટે તેના લક્ષ્યાંકના 50 ટકા કાર્ય પૂર્ણ કર્યા નથી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કર્યા બાદ જસ્ટિસ હીમા કોહલીની ખંડપીઠે દિલ્હી સરકારને કોરોનાને લઇ લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા રચાયેલી સમિતિની બેઠક અંગેના સોગંદનામું દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો.
આ અરજી વકીલ રાકેશ મલ્હોત્રા દ્વારા કરવામાં આવી છે. અરજીમાં ખાનગી અને સરકારી હોસ્પિટલો અને લેબોમાં કોરોનાના પર્યાપ્ત ટેસ્ટ માટે માર્ગદર્શિકા જારી કરવાની માગ કરવામાં આવી છે. સુનાવણી દરમિયાન રાકેશ મલ્હોત્રાએ કોર્ટને જણાવ્યું હતું કે, દિલ્હીની ખાનગી હોસ્પિટલોને પણ કોરોના હોસ્પિટલ જાહેર કરવામાં આવ્યા છે. આ હોસ્પિટલોમાં લક્ષણોવાળા દર્દીઓ તેમજ લક્ષણો વગરના દર્દીઓના ટેસ્ટ માટે માર્ગદર્શિકા જારી કરવા માગ કરવામાં આવી છે.
સુનાવણી દરમિયાન, દિલ્હી સરકારે જણાવ્યું હતું કે હાલમાં ICMRએ ફક્ત કન્ટેન્ટ ઝોન અને હોટસ્પોટ્સમાં રૈપિડ એન્ટિજેન ટેસ્ટની મંજૂરી આપી છે. આ ટેસ્ટ માત્ર સરકારી હોસ્પિટલો માટે જ માન્ય છે. દિલ્હી સરકારે કહ્યું કે, દિલ્હીના દરેક જિલ્લામાં દરરોજ 22 હજાર ટેસ્ટ માટે લક્ષ્ય બનાવવમાં આવ્યો છે.
અગાઉની સુનાવણી દરમિયાન, હાઇકોર્ટે દિલ્હી સરકારને આદેશ આપ્યો હતો કે દિલ્હીની માન્યતાપ્રાપ્ત પ્રયોગશાળાઓ 24 થી 48 કલાકમાં કોરોના ટેસ્ટની રિપોર્ટ આપે. કોર્ટે દિલ્હી સરકારને હંમેશા તેની વેબસાઇટ પર કોરોના ટેસ્ટના સાચા ડેટાને અપડેટ કરવા નિર્દેશ આપ્યો હતો.