85 હજાર કરોડના દેવામાં ડૂબેલું છે ઝારખંડ
ઝારખંડ સરકાર પર હાલમાં 85 હજાર 234 કરોડનું દેવુ છે. 2014માં જ્યારે રઘુવર દાસે સરકાર સંભાળી ત્યારે રાજ્ય પર 37 હજાર 593 કરોડનું દેવુ હતું, પણ રાજ્યમાં રઘુવરની સરકાર આવ્યા બાદ તો દેવું કુદકેને ભુસકે વધતું જ ગયું. 2014થી પહેલા 14 વર્ષોમાં આવેલી સરકારોએ જેટલું દેવું કર્યું છે, તેનાથી વધુ રઘુવર સરકારે પાંચ વર્ષમાં કરી નાખ્યું છે. ત્યારે આવા સમયે મુખ્યપ્રધાન બન્યા બાદ હેમંત સોરેન સામે દેવુ ઓછુ કરવાનો સૌથી મોટો પડકાર રહેશે. રાજ્યમાં ખેડૂતો પર પણ 6 હજાર કરોડથી પણ વધારેનું દેવુ છે. ત્યારે ખેડૂતોના દેવાની સામે જોવાનું પણ સોરેનના માથે આવશે.
ગરીબ રાજ્યનું ટૈગ હટાવવું
વર્ષ 2000માં બિહારથી અલગ થયા બાદ ઝારખંડના માથે ગરીબ રાજ્યનું ટૈગ લાગેલું છે. આ રાજ્યમાં હજુ પણ 36.96 ટકાથી વધુ વસ્તી ગરીબી રેખા નીચે જીવન જીવે છે. તેથી ગરીબ રાજ્યના ટૈગમાંથી છૂટકારો અપાવવો હેમંત સોરેન માટે એક પડકાર બની રહેશે.
અનાજની ઘટને દૂર કરવી
ભૂખમરાથી થતાં મોતને લઈ ઘણી વાર ઝારખંડ ચર્ચામાં રહ્યું છે. આ એજ રાજ્ય છે જ્યાં 2017માં સિમડેગા જિલ્લામાં 11 વર્ષની સંતોષી નામની બાળકી ભાત-ભાત કરતા મરી ગઈ હતી. ભૂખથી બિમાર થયેલી આ બાળકીના મોત પર ઘણો હોબાળો થયો હતો. આંકડાની વાત કરીએ તો ઝારખંડમાં દર વર્ષે લગભગ 50 લાખ મેટ્રીક ટન અનાજની જરુર છે, પણ અહીં સારામાં સારી સ્થિતીમાં પણ 40 લાખ મેટ્રીક ટન અનાજનું જ ઉત્પાદન થાય છે. આ 10 લાખ મેટ્રીન ટન અનાજનું અંતર પુરુ કરવું સોરેન માટે પડકાર બની રહેશે.
નક્સલ અને સુરક્ષા
ઝારખંડમાં આમ જોવા જઈએ તો, અનેક જિલ્લા નક્સલ પ્રભાવિત છે. પણ હજુ પણ 13 જિલ્લા નક્સલની ઝપટમાં છે. જેમાં ખૂંટી, લાતેહાર, રાંચી, ગુમલા, ગિરિડીહ, પલામૂ, ગઢવા, સિમડેગા, દુમકા, લોહરદગા, બોકારો અને ચતરા જિલ્લાનો સમાવેશ થાય છે. જેને નક્સલ મુક્ત બનાવવું હેમંત માટે પડકાર રહેશે. ઝારખંડ મોબ લિંચિંગ માટે પણ પ્રખ્યાત છે. ત્યારે આવી ઘટનાઓને રોકવી એ પણ એક પડકાર સમાન સાબિત થશે.
સૌથી વધુ બેરોજગારી વાળું પાંચમું રાજ્ય
મુખ્યપ્રધાન બન્યા બાદ હેમંત સોરેનની સામે રાજ્યમાં યુવાનોને રોજગારી આપવી એ મોટો પડકાર છે. સેંમ્પલ સર્વે ઓફ ઓફિસના એપ્રિલમાં આવેલા રિપોર્ટમાં ઝારખંડ તે 11 રાજ્યોમાં સામેલ છે જ્યાં બેરોજગારી દર સૌથી વધું છે. આ રિપોર્ટ મુજબ ઝારખંડ પાંચમા નંબરે છે. ઝારખંડમાં 2011-12માં 2.5 ટકા બેરોજગારી હતી, જે 2017-18માં વધીને 7.7 ટકા થઈ ગઈ છે. આ રિપોર્ટમાં સૌથી વધું બેરોજગારી કેરલમાં 11.4 ટકા બતાવવામાં આવી છે.
ઝારખંડમાં દર પાંચ યુવાનોમાંથી એક યુવાન બેરોજગાર છે. પ્રદેશમાં 46 ટકા પોસ્ટ ગ્રેજ્યુએટ અને 49 ટકા ગ્રેજ્યુએટ યુવાનોને નોકરી મળતી નથી. ઈન્સ્ટીટ્યૂટ ઓફ હ્યુમન ડેવલપમેન્ટના રિપોર્ટમા આ આંકડા સામે આવ્યા છે. ઈકોનોમિક સર્વે 2018-19ના આધારે સરકાર રોજગારલક્ષી યોજનાઓ અંતર્ગત એક લાખથી પણ વધું યુવાનોને ટ્રેનીંગ આપી પણ 10માંથી ફ્કત 8 યુવાનો જ નોકરી શોધી રહ્યા છે.
હેમંત સોરેનનું વચન
હેમંત સોરેને પોતાના ફેસબુક પેજ પર કહ્યું છે કે, ઝારખંડમાં બેરોજગારી દર પોતાની સિમાડા વટાવી ચુકી છે. જે એક બિમારી માફક વધી રહ્યું છે. દેશમાં જ્યારે બેરોજગારી દર 7.2 ટકા છે ત્યારે રાજ્યમાં 9.4 ટકા છે.વિતેલા પાંચ વર્ષમાં રઘુવર સરકારે યુવાનોને બસ છેતર્યા છે. રાજ્યમાં 4 લાખ તો બેરોજગાર ચોપડે છે.તેનાથી પણ વધુ તો રોજગાર માટે અનેક લોકો ભટકી રહ્યા છે.
તેમણે કહ્યું છે કે, હું રાજ્યના બેરોજગાર યુવાનોને વચન આપું છું કે, મારી સરકાર આવ્યા બાદ મોટા ભાગના યુવાનોને રાજ્યમાં રોજગાર આપીશ. જ્યાં સુધી રોજગાર ન મળે ત્યાં સુધી બેરોજગારી ભથ્થું આપીશ.