નાણા મંત્રાલય સ્વીકારતા પહેલાં મેં નરસિંહ રાવે કહ્યું હતું કે હું હોદ્દો તો જ સ્વીકારીશ જો તેઓ મને સંપૂર્ણ ટેકો આપવાના હોય. તેમણે મજાકના સ્વરમાં કહ્યું કે: “તમને સંપૂર્ણ સ્વતંત્રતા મળશે. જો નીતિઓ સફળ રહી તો બધો જ જશ અમે લેશું. નીતિઓ નિષ્ફળ ગઈ તો તમારે જવું પડશે”. શપથવિધિ પછી વડા પ્રધાન રાવે વિપક્ષના નેતાઓની બેઠક બોલાવી હતી. મેં તેમને વિગતો આપી હતી. મારા મનમાં એવી છાપ પડી કે વિપક્ષના નેતાઓ ચોંકી ગયા હતા. વડા પ્રધાને મને આર્થિક બાબતોમાં સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી.
જોકે આર્થિક સુધારાઓ કંઈ રાતોરાત નહોતા થઈ ગયા. તે ઐતિહાસિક પરિવર્તન તે વખતની દૂરંદેશીભરી રાજકીય નેતાગીરી વિના શક્ય ના બન્યા હોત. આપણી આર્થિક નીતિઓને નવી દિશામાં વાળવાની જરૂર છે તેવું સમજનારા પ્રથમ રાજકીય નેતા હતા શ્રીમતી ઇન્દિરા ગાંધી. સામાજિક ન્યાય સાથે આર્થિક વિકાસ થાય તેવી નીતિઓની જરૂર તેમને લાગી હતી. તેમણે લીધેલા પ્રારંભિક પગલાંઓને શ્રી રાજીવજીએ ઘણા આગળ વધાર્યા, કેમ કે તેઓ આવનારા ઇન્ફર્મેશન યુગના મહત્ત્વને સમજી શક્યા હતા. રાજીવ ગાંધીના નેતૃત્ત્વમાં કોંગ્રેસની સરકારે 1980ના દાયકાના પાછળના હિસ્સામાં આર્થિક સુધારોને ગતિ આપી હતી.
આપણે નરસિંહ રાવજીની આર્થિક સુધારાઓની બાબતની સમજ બાબત સરાહના કરવી જોઈએ. 1991માં કોંગ્રેસની સરકાર બની ત્યારે વડા પ્રધાન નરસિંહ રાવની આગેવાનીમાં નાણાં પ્રધાન તરીકે અમે આર્થિક સુધારાઓની શરૂઆત કરી. વડા પ્રધાન નરસિંહ રાવજીના નેતૃત્ત્વ હેઠળ અમે આર્થિક નીતિઓ તથા આપણી વિદેશ નીતિઓની બાબતમાં હિંમતભર્યા અને સુદીર્ઘ પગલાં લીધાં.
અમે જે આર્થિક સુધારાની શરૂઆત કરી તેનું એક વિશેષ પાસું હતું ભારતીય પદ્ધતિએ થયેલા સુધારા. અમે ચોક્કસ ફોર્મ્યુલાને વળગી ના રહ્યા. મને યાદ છે આઈએમએફના તે વખતના એમડી માઇકલ કેમ્ડેસસ અને વડા પ્રધાન નરસિંહ રાવની મુલાકાત. તે વખતે નરસિંહ રાવજીએ સ્પષ્ટ કહ્યું હતું કે ભારતમાં સુધારા માટે ભારતીયોની ચિંતાને ધ્યાને લેવી પડે. અમે લોકશાહી છીએ. અમારા કામદારોના હિતોનું અમારે રક્ષણ કરવું પડે. અમે આઈએમએફને જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રના એક પણ કામદારની નોકરી માળખાકીય સુધારાને કારણે જતી રહે તેવું અમે કરી શકીએ નહિ. અમારી અગ્રતાને ધ્યાનમાં રાખીને સુધારાઓ લાવવામાં આવશે તેની અમે ખાતરી આપી હતી અને અમે તે પાળી શક્યા હતા.
વડા પ્રધાન નરસિંહ રાવજી ભારતની વિદેશ નીતિને વધારે વાસ્તવિક ઓપ આપી શક્યા હતા. તેમણે ભારતના પડોશી દેશો સાથે સંબંધો સુધારવાને અગ્રતા આપી હતી. 1993માં તેઓ ચીનની મુલાકાતે ગયા હતા, જેથી સંબંધોમાં આવેલી કડવાશ થોડી દૂર કરી શકાય. સાર્ક દેશોની સાથે મળીને ભારતે સાઉથ એશિયન પ્રેફરેન્શ્યલ ટ્રેડ એગ્રીમેન્ટ કર્યો હતો. તેમણે જે નીતિ લાગુ કરી તેને ભારતની “પૂર્વ તરફની દૃષ્ટિ” તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ભારતને પૂર્વ અને અગ્નિ એશિયાના ઘણા દેશો સાથે જોડવામાં આવ્યું હતું.
નરસિંહ રાવજીના નેતૃત્ત્વમાં સરકારે મહત્ત્વાકાંક્ષી બેલેસ્ટિક મિસાઇલ ટેક્નોલૉજી માટે કાર્યક્રમ શરૂ કર્યો હતો. ભારત 1992માં સફળતાપૂર્વક ઓગમેન્ટેડ સેટેલાઇટ લૉન્ટ વેહિકલ (ASLV) અને પોલર સેટેલાઇટ લૉન્ચ વેહિકલ (PSLV) છોડી શક્યું હતું અને તેના કારણે બાહ્ય સુરક્ષા વધારે મજબૂત હતી. 1994માં પૃથ્વી મિસાઇલનું પ્રથમ સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેમાંથી જ મધ્ય અંતરની બેલેસ્ટિક મિસાઇલ તૈયાર થઈ હતી.
મારા માટે મિત્ર, માર્ગદર્શક અને સહૃદયી તથા અનેક બાબતમાં સલાહ આપનારા, ભારતના આ સપૂતને શ્રદ્ધાંજિલ આપતા મને આનંદની લાગણી થાય છે. મેં તેમને બહુ નીકટથી જાણ્યા હતા અને તેઓ ખરેખર રાજકારણમાં સંન્યાસી જેવા હતા. આપણી પરંપરા અને મૂલ્યોમાં માનનારા તેઓ એક આધુનિકીકરણ લાવનારા દૂરંદેશી હતા. તેઓ ખરા અર્થમાં વિદ્વાન હતા અને માત્ર આપણી આર્થિક નહિ અને વિદેશ નીતિને પણ નવી દિશા આપી શક્યા હતા. તેઓ એકથી વધુ ભાષાના જાણકાર હતા. તે માત્ર તેમની ભાષા સમૃદ્ધિ દાખવે છે એટલું ન નહિ, પણ તેના કારણે તેઓ ખરેખર એક ભારતવ્યાપી વ્યક્તિ બની શક્યા હતા, જે કરીમનગર, પૂણે, બનારસ અને દિલ્હીમાં પણ સહજતાથી પોતાનું કર્તવ્ય બજાવતા રહ્યા હતા.
-ડૉ. મનમોહન સિંહ, ભૂતપૂર્વ વડા પ્રધાન