ખટ્ટર અને નડ્ડા વચ્ચેની બેઠકમાં અપક્ષોના સહારે સરકાર રચવાની તૈયારીઓ કરી દેવાઈ છે. આ નિર્ણય બાદ હવે મનોહરલાલ ખટ્ટર જલ્દી જ CM પદના શપથ લે તેવી શક્યતાઓ છે. ખટ્ટરે 5 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન હોય પોતે સરકાર રચશે તેવો દાવો કર્યો છે.
હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર દિલ્હી જવા રવાના થયા છે, જ્યાં તેઓ ભાજપની મહત્વની બેઠકમાં ભાગ લેશે. અહીં તેમને સરકાર રચવાના દાવાની સાથે શપથ લીધા બાદ બહુમતી સાબિત કરવા માટેના તમામ પાસાઓ અંગે વિસ્તારથી ચર્ચા કરાશે.આ સાથે જ આજે મોડી સાંજે તેઓ CM પદના શપથ લે તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે.
ભાજપને બે અપક્ષ ધારાસભ્યોએ સમર્થનના સંકેત આપ્યા છે. જેથી હવે ફક્ત 4 ધારાસભ્યોની જરૂર છે. આ 4 ધારાસભ્યોનું સમર્થન ભાજપને ક્યાંથી મળશે તે જોવું રહ્યુ. પરંતુ તમામની વચ્ચે હરિયાણાનું રાજકારણ ગરમાયુ છે. કિંગમેકર બનેલા દુષ્યંત ચૌટાલા અને કોંગ્રેસના ભૂપેન્દ્રસિંહ હુડ્ડા આ પહેલા કોઈ નવો તખ્તો રચી શકે છે કે કેમ? તેમજ જો ભાજપ સરકાર બનાવવાનો દાવો કરશે તો દુષ્યંત ચૌટાલાની કોઈ ભૂમિકા રહેશે કે કેમ? તે તમામ સવાલો હજુ અકબંધ છે.