હાર્દિક પટેલની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ અરજી ફગાવતા હવે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી નહીં લડી શકે. જોકે, હાર્દિક સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. અરજી ફગાવતાં કોર્ટનું તારણ હતું કે, આ અરજીમાં હાર્દિકે સજા સામે કરેલી અપીલ પર નિર્ણય લેવાનો નથી. એટલે પુરાવાનું મુલ્યાંકન આ અરજીમાં ન કરી શકાય.
કોર્ટે નોંધ્યું કે, રાજદ્રોહના બે ગુનાઓમાં કાયદો અને વ્યવસ્થાની બાંહેધરી પર હાર્દિકને જામની પર મુક્ત કરાયો હતો. હાર્દિકે આ શરતોનું પાલન કર્યું નથી. આ અગાઉ ચૂંટણી લડવા માટે હાર્દિકે કરેલી અરજી હાઇકોર્ટે પ્રાથમિક રીતે સ્વીકારીને દાખલ કરી લીધી પણ અંતે આ અરજીને ફગાવી દીધી છે. આ અરજીમાં હાર્દિકનો દાવો છે કે, મને દોષિત જાહેર કરવાનો નીચલી કોર્ટનો આદેશ ભૂલ ભરેલો છે. ઉપરાંત પુરાવાનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી. જેથી આ ભૂલ ભરેલા નિર્ણય પર મનાઈ હુકમ અપાવો જોઈએ.
કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ એ.જી. ઉરેઝીએ બંને પક્ષોને ટકોર કરી છે કે, પોતાની લેખિત દલીલો કોર્ટમાં રજુ કરે. જે બાદ કોર્ટ પોતાનો ચુકાદો આપ્યો હતો. જેથી હવે હાર્દિકને લોકસભા ચૂંટણી લડવા માટે નવો વળાંક આવ્યો છે. હાલમાં કોર્ટે હાર્દિકની અરજી ફગાવી દીધી છે.
નોંધનીય છે કે, હાર્દિક પર આરોપ છે કે, વિસનગરમાં ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવાના કેસમાં તે સામેલ હતો. જેથી આ કેસમાં વિસનગરની કોર્ટે હાર્દિકને દોષિત જાહેર કર્યો હતો. આ સજા સામે હાર્દિકે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. એક અરજીમાં હાર્દિકે પોતાને દોષિત જાહેર કરવાના નિર્ણય પર સ્ટેની માંગ કરી હતી.