રાજસ્થાનઃ રાજસ્થાન કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ બાદ હાઈકમાન્ડે સચિન પાયલટને નાયબ મુખ્યપ્રધાન અને પ્રદેશ પ્રમુખ પદેથી બરતરફ કર્યા છે. દેશની સૌથી જૂની પાર્ટીના નિર્ણયથી પાયલટના ગામના લોકો રોષે ભરાયા છે. સચિન પાયલટ ગૌતમબુદ્ધ નગરના વૈદપુરા ગામના રહેવાસી છે, જ્યાં ગુર્જર સમાજના લોકોની સંખ્યા વધુ છે. ગ્રામજનોએ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતનું પુતળા દહન કર્યું હતું. સચિન પાયલટને કોંગ્રેસમાંથી બરતરફ કર્યા પછી ગુર્જર સમાજ નારાજ છે. વિરોધમાં સમાજના લોકોએ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતનું પુતળા દહન કર્યું હતું.
ગુર્જર નેતા દિપક નાગરે કહ્યું કે, 'કોંગ્રેસે સમાજના લોકો સાથે દગો કર્યો છે. ગુર્જર સમાજ કોંગ્રેસનો વિરોધ કરે છે. 2022માં યોજાનારી યુપી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને સમર્થન નહીં આપે. તેમણે વધુમાં કહ્યું કે, 'સચિન પાયલટ અને તેમના પિતા સ્વર્ગસ્થ રાજેશ પાયલટે કોંગ્રેસને ઘણી મજબૂત કરી છે. રાજસ્થાનમાં સચિન પાયલટની મહેનતને લીધે કોંગ્રેસે પુનરાગમન થયું હતું. પરંતુ તેમને મુખ્યપ્રધાન ન બનાવીને પહેલેથી જ તેમની સાથે છેતરપિંડી કરી હતી.
દીપક નાગરે કહ્યું કે, 'ગુર્જર યુવા નેતાને પાર્ટીની બહાર રાખીને સમાજને નુકસાન પહોંચાડ્યું છે.' વૈદપુરામાં રહેતા સંદીપ નાગરે જણાવ્યું હતું કે યુપી, દિલ્હી, હરિયાણા વગેરે ગુર્જર સમાજના લોકો પણ કોંગ્રેસનો વિરોધ કરી રહ્યાં છે.