રાજસ્થાનઃ ગુજરાતની નજીકનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુનું હવામાન ખૂબ રડિયામણું છે, એવા વાતાવરણમાં હજારો પ્રવાસીઓ ગુજરાતમાંથી માઉન્ટ આબુ જતા હોય છે. પર્યટકો ફરવાની અને મનોરંજન માટે જુગાર પણ રમતા હોય છે. હાલ સાતમ-આઠમના તહેવાર હેવાથી આબુ પોલીસ દ્વારા અનેક સ્થળોએ જુગાર રમતા પ્રવાસીઓ સામે મોટી કાર્યવાહી કરી હતી.
ગુજરાતમાં કડક કાયદાને કારણે ગુજરાતી પ્રવાસીઓ રાજસ્થાન તરફ વળી રહ્યાં છે, જેમાં તેમનું સૌથી પ્રિય સ્થળ માઉન્ટ આબુ છે, ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, ઉડિયા ગામમાં જુગાર રમવામાં આવી રહ્યો છે, જેના આધારે પોલીસ અધિક્ષક પૂજા અવનાના નિર્દેશનમાં માઉન્ટ આબુ ખાતે કાર્યવાહી હાથ ધરી હતી.
આ દરોડા દરમિયાન દાવ પર મુકેલી આશરે 4 લાખ 53 હજારની રોકડ રકમ મળી આવી હતી. આ કાર્યવાહી ઉડિયા ગામના એક ખાનગી બંગલા પર કરવામાં આવી હતી. જેમાં 8 આરોપીઓને 8 મોબાઇલ અને બે લક્ઝરી કાર સાથે ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે શ્રાવણ મહિનામાં ગુજરાતી પ્રવાસીઓ માઉન્ટ આબુમાં જુગાર રમવા આવતા હોય છે. જેમાં પોલીસ પણ સક્રિય થઇ કાર્યવાહી કરતા હોય છે.