નવી દિલ્હીઃ બિહાર વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ, આ વખતે ચૂંટણી માટે ઉમેદવારો તેમની ઉમેદવારી ઓનલાઈન નોંધાવશે.
ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ પોસ્ટલ બેલેટ સુવિધાનો વિકલ્પ એવા મતદારોને મળશે જે 80 વર્ષથી વધુ ઉંમરના છે. સૂચિત આવશ્યક સેવાઓ અને COVID-19 પોઝિટિવ/સંભવિત ચેપગ્રસ્ત લોકોમાં પણ પોસ્ટલ બેલેટની સુવિધા મળશે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ લોકોને ચૂંટણી સંબંધિત પ્રવૃત્તિઓ દરમિયાન ફેસ માસ્ક પહેરવા પડશે.
RJD અને CPIMએ મતદાન પેનલને ડિજિટલ રેલીઓને મંજૂરી ન આપવા વિનંતી કરી હતી. LJP, NCP, NPP અને AAP દ્વારા ઇસીને મતદાન સ્થગિત કરવા જણાવ્યું છે, કારણ કે રાજ્યમાં રોગચાળા અને કોવિડ -19 દ્વારા અસર થઈ રહી છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ અગાઉ ETV ભારતને આપેલા ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે, ચૂંટણી પંચ નિર્ધારિત યોજના મુજબ બિહારની ચૂંટણીઓ યોજવાની તૈયારી કરી રહ્યું છે. ચૂંટણી પંચ રાજ્યની સ્થિતિ અને મતદાનની સજ્જતાનું મૂલ્યાંકન કરવાનું કામ કરી રહ્યું છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં, આજે ચૂંટણી પંચની બેઠકમાં સામાન્ય ચૂંટણીઓ/પેટા-ચૂંટણીઓ માટે વિસ્તૃત માર્ગદર્શિકા જારી કરવાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવેલા મંતવ્યો પર પંચે વિચારણા કરી હતી. બેઠકમાં રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા સૂચનો અને ભલામણો પર પણ વિચારણા કરવામાં આવી હતી.
રેલી દરમિયાન, સામાજિક અંતરનાં ધોરણોને માર્ગદર્શિકામાં સામેલ કરવામાં આવ્યા છે. ડોર ટુ ડોર કેમ્પેનમાં સામેલ લોકોની સંખ્યા મહત્તમ 3 હશે. રોડ શો માટેના વાહનોની સંખ્યા પણ મર્યાદિત રહેશે. સૂત્રો જણાવ્યા અનુસાર તેની સંખ્યા 5 હોઈ શકે છે. રેલી માટે ઉપલબ્ધ વિસ્તારને આધારે જિલ્લા ચૂંટણી અધિકારી રેલીમાં દર્શકોની સંખ્યા સ્પષ્ટ કરશે, જેથી સામાજિક અંતર સુનિશ્ચિત થઈ શકે. ઉમેદવારી નોંધાવવા માટે ઉમેદવારની સાથે આવતા લોકોની સંખ્યા પણ મર્યાદિત રહેશે.
આ માર્ગદર્શિકાના આધારે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી, ચૂંટણીના સંચાલન દરમિયાન સ્થાનિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, કોવિડ -19ના સુરક્ષાત્મક પગલાં ધ્યાને રાખી સંબંધિત રાજ્ય અથવા જિલ્લા માટે એક વ્યાપક યોજના તૈયાર કરશે.