કોલકાતાઃ સ્વતંત્ર સેનાની પ્રફુલ્લ ચાકીની પૌત્રી માધવી તાલુકદાર લોકડાઉનના દિવસો ખુબ જ કપરી સ્થિતિમાં પસાર કરી રહી છે. પશ્ચિમ બંગાળના દિનાજપુર જિલ્લાના ગંગાપુર થાણા પાસે રહેતી માધવી તાલુકદાર કોરોના મહામારી વચ્ચે જાહેર કરાયેલા લોકડાઉન દરમિયાન એમની ઝુપડીમાં ખાદ્ય સામગ્રીની અછત સામે લડી રહી છે. જો કે, તેમને હવે રાજ્ય સરકારે ખાદ્ય સામગ્રીનો પુરવઠો પહોંચાડ્યો છે.
મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને માધવીની સ્થિતિ વિશે જાણ થતાં તેમણે નિર્દેશ કર્યા બાદ અધિકારીઓ મંગળવારે ખાદ્ય સામગ્રી લઈને ઝુંપડીએ પહોંચ્યા અને ભવિષ્યમાં પણ મદદ કરવાનું વચન આપ્યું. ગોરાઓથી આઝાદી લેવાના સંઘર્ષના દિવસોને યાદ કરતા તાલુકદારે કહ્યુ કે, જ્યારે તેણી 10 વર્ષની હતી ત્યારે સ્વતંત્રતા સેનાનીઓના ગુપ્ત સ્થળો પર જતી અને તેમના માટે કામ કરતી હતી. તાલુકદારે જણાવ્યું કે, પ્રફુલ્લ ચાકી તેમના દાદા પ્રતાપ ચાકીના નાના ભાઈ હતા.
ખુદીરામ બોઝ સાથે ચાકીએ 1908માં મુજફ્ફરપુરના જીલ્લી જજ ડગલસ કિંગ્સફોર્ડની હત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે બોઝની ધરપકડ કરવામાં આવી અને તેમને ફાંસી થઈ હતી. ત્યારે પ્રફુલ્લ ચાકી ધરપકડથી બચી ગયા અને તેમણે આત્મહત્યા કરી હતી. આઝાદીના 17 વર્ષ પછી માધવી પશ્ચિમ બંગાળના એક મંદિરમાં સાફ સફાઈનું કામ કરે છે પરંતુ લોકડાઉનના કારણે ધાર્મિક સંસ્થાન બંધ થવાથી મુશ્કેલીઓ વધી રહી છે. માધવીએ એક મિડિયા એજન્સી સાથે વાતચીતમાં જણાવ્યું કે, 'સ્વતંત્રતા સંગ્રામમાં પોતાની ક્ષમતા મુજબ ભાગ લેવા છતાં મને સ્વાતંત્ર સેનાનીઓનું પેંશન મળતું નથી.'
તેણીએ વધુ જણાવતા કહે છે કે, 'મારા લગ્ન ગંગાપુરના એક વેપારી સાથે થયા હતા પરંતુ તેમના નિધન પછી તેમની પાસે કંઈ જ ન બચ્યુ. ઘણા વર્ષોથી હું ઝુપડીમાં રહુ છું. ' ગંગાપુરના વિધાયક ગૌતમ દાસે કહ્યુ કે માધવીની આ સ્થિતિની તેમને જાણ ન હતી પરંતુ હવે તેમની મદદ કરશે.