ખાડાવાળા રસ્તાઓ અને ફૂટપાથના લીધે સવારો અને પગપાળા યાત્રીઓને થતી ઈજાઓ અને નુકસાનોના સંદર્ભે કર્ણાટક ઉચ્ચ ન્યાયાલયે ગયા વર્ષે નિર્દેશો આપ્યા હતા. તેણે મહાનગર પાલિકા (બીબીએમપી)ને અલગ એકમો સ્થાપિત કરવાં સૂચના આપી હતી જ્યાં ખાડાના કારણે સહન કરી રહેલા નાગરિકો પ્રશાસન સંસ્થા પાસેથી વળતરનો દાવો કરી શકે. કર્ણાટક ઉચ્ચ ન્યાયાલયના આદેશોની સામે બીબીએમપીએ સર્વોચ્ચ ન્યાયાલયનો સંપર્ક સાધ્યો હતો પરંતુ સર્વોચ્ચે તેની અરજી ફગાવી દીધી. ન્યાયમૂર્તિની એક બૅન્ચે ઉચ્ચ ન્યાયાલયના આદેશનું સમર્થન કર્યું અને નાગરિક સંસ્થાને એ સુનિશ્ચિત કરવા કહ્યું કે શહેરના રસ્તાઓ પર એક પણ ખાડા કે ભૂવા ન હોવા જોઈએ. બીબીએમપીના અધિકારીઓએ અગાઉ કહ્યું હતું કે કર્ણાટક મહાનગરપાલિકા નિગમ અધિનિયમમાં વળતરની કોઈ જોગવાઈ નથી અને અને આવી યોજનાઓનો પ્રચાર કરવાથી નાગરિક સંસ્થાના ખિસ્સામાં મોટા ખાડા પાડી દેશે; પરંતુ ન્યાયાલયે તેની અરજી સ્વીકારી નહીં. ઉચ્ચ ન્યાયાલયે બીબીએમપીને પ્રશ્ન પૂછ્યો કે શું કર્ણાટક મહાનગર પાલિકા નિગમ અધિનિયમમાં ગેરકાયદે બાંધકામો અને રસ્તા પર ખાડાની પરવાનગી છે? નગરપાલિકાઓ પર કર્ણાટક ઉચ્ચ ન્યાયાલયનું વલણ તમામ શહેરનાં નિગમો માટે આંખ ઉઘાડનારું હોવું જોઈએ. દેશના સર્વોચ્ચ ન્યાયાલયે બીજા બધા અધિકારની ઉપર જીવનનો અધિકાર મૂકતાં રસ્તાની સુરક્ષા વિશે આશાઓ ઊછળી છે.
મુંબઈ ઉચ્ચ ન્યાયાલયે વર્ષ 2015માં ઠરાવ્યું હતું કે યોગ્ય રીતે જાળવેલા રસ્તાઓનો અધિકાર ભારતના બંધારણની કલમ 21માં ખાતરી આપવામાં આવેલો મૂળભૂત અધિકાર છે. કર્ણાટક ઉચ્ચ ન્યાયાલયના વર્તમાન મુખ્ય ન્યાયમૂર્તિ અભય ઓકે આ ચુકાદો જેણે જાહેર કર્યો તે ન્યાયમૂર્તિ બૅન્ચના સભ્ય હતા. જ્યારે તેમણે બીબીએમપીને આવા જ આદેશો જાહેર કર્યા ત્યારે નાગરિક સંસ્થાના અધિકારીઓએ દલીલ કરી હતી કે તેમને સાર્વભૌમ પ્રતિરક્ષા પ્રાપ્ત છે. નગરપાલિકા અધિકારીઓની બેદરકારીના કારણે અકસ્માત થાય તેવા સંજોગોમાં વળતર માગવાના અધિકાર વિશે બંધારણની કલમ ૨૨૬ મુજબ ઉચ્ચ ન્યાયાલયના આદેશો અત્રે ઉલ્લેખ કરવા યોગ્ય છે. રાષ્ટ્રીય અપરાધ રેકૉર્ડ બ્યૂરો (એનસીઆરબી) મુજબ, દર વર્ષે માર્ગ અકસ્માતોના કારણે 1.5 લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે. માર્ગ સુરક્ષા પર સર્વોચ્ચ ન્યાયાલયની સમિતિએ ઘટસ્ફોટ કર્યો હતો કે વર્ષ 2013થી 2017 દરમિયાન ખાડાના કારણે 15,000 લોકો મૃત્યુ પામ્યા હતા. સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું હતું કે ત્રાસવાદીઓના હાથે કે સરહદ પર મરાતા લોકો કરતાં આ સંખ્યા મોટી છે. ન્યાયાલયે ઠરાવ્યું કે નગરપાલિકા નિગમો, ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળ (એનએચએઆઈ) અને રાજ્યના માર્ગ વિભાગો આ મૃત્યુ માટે જવાબદાર છે. ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં ખાડા સંબંધિત અકસ્માતો સૌથી વધુ પ્રમાણમાં થયા હતા.
તમામ નાગરિકો માટે ઉચ્ચ ગુણવત્તાની સુવિધાઓ બનાવવી અને તેને જાળવવી તેમજ તે પૂરી પાડવી તે દરેક મહાનગરપાલિકા નિગમની મૂળભૂત ફરજ છે. જ્યારે ગામડામાંથી શહેરમાં સ્થળાંતર તેના સર્વોચ્ચ સ્તરે હોય તેવા સમયે, શહેર નિગમો પાસે શહેરીકરણથી ઉદ્ભવતા પડકારોને હલ કરવાની કોઈ દાનત જણાતી નથી. જાતીય અપરાધો માટે કાયદાઓની સમીક્ષા કરવા નિમાયેલી જે. એસ. વર્મા સમિતિએ રાજ્યના વિભાગોને તમામ રસ્તાઓ પર શેરી બત્તી (સ્ટ્રીટ લાઇટ) સ્થાપવા જણાવ્યું હતું અને એ સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું કે તે લાઇટ ચાલુ હોય. કેન્દ્રએ તાજેતરમાં રાષ્ટ્રીય રાજમાગની ખરાબ જાળવણી માટે એનએચએઆઈ પર ચાબુક વીંઝી હતી. ખાડાવાળા રસ્તા પર જ્યારે એક મહિલા બાઇક ચાલકે બાઇક પરનો અંકુશ ગુમાવ્યો ત્યારે ધસમસતા ટ્રકે તેને કચડી નાખી તે પછી મુંબઈ પોલીસે મહિલા સામે બેફામ વાહન ચલાવવાનો કેસ નોંધ્યો હતો. આ બતાવે છે કે પ્રણાલિ કેટલી વધુ અસંગઠિત છે. સર્વોચ્ચ ન્યાયાલયે નિમેલી પેનલે આવા અકસ્માતોમાં જેમણે જીવ ગુમાવ્યો હોય તે બધા માટે તેમના પ્રતિનિધિઓને માર્ગ સત્તાવાળાઓ તરફથી વળતરનું સૂચન કર્યું હતું. સર્વોચ્ચ ન્યાયાલયે પણ આ જ સૂચનનું સમર્થન કર્યું છે ત્યારે રાજ્ય સરકારોએ તેમની શહેરી સ્થાનિક સંસ્થાઓને વધુ સારી કરવી જ જોઈએ. ભ્રષ્ટાચાર નાબૂદ કરવાથી લઈને વિકાસ માટે ભંડોળ ફાળવવા સુધીના અનેક સ્તરીય સુધારાઓથી મરી રહેલા જીવવાના અધિકારને પુનર્જીવિત થઈ શકે છે.