- હૈદરાબાદમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પત્રકાર પરિષદ યોજી
- શાહે ઔવેસી પર સાધ્યું નિશાન
- ભાજપની જીતનો કર્યો દાવો
હૈદરાબાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે હૈદરાબાદમાં ભાજપ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં રોહિંગ્યા મુદ્દા પર AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી પર નિશાન સાધતા જણાવ્યું કે, ઓવૈસી લેખિતમાં આપે એટલે રોહિંગ્યાને હૈદરાબાદથી બહાર કાઢવા અંગે કાર્યવાહી કરવામાં આવશે.
રોહિંગ્યા પર કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે આ લોકો જ બૂમ પાડે છે
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું કે, જ્યારે અમારી સરકાર કાયદો લાવે છે, ત્યારે સંસદમાં લોકો અવાજ ઉઠાવવાનું શરૂ કરે છે. જ્યારે રોહિંગ્યા પર કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે આ લોકો(વિરોધી પક્ષો) જ બૂમ પાડે છે. ઓવૈસી એક વાર લખીને આપી દે કે, બાંગ્લાદેશી અને રોહિંગ્યાને દૂર કરો, પછી હું કાર્યવાહી કરું છું.
તેલંગાનાના લોકોમાં રોષ અને નારાજગી છે
આ અગાઉ હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ જણાવ્યું હતું કે, જો હૈદરાબાદમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી અને રોહિંગ્યા રહે છે, તો ગૃહ પ્રધાન અમિત શાહ કેમ કોઇ કાર્યવાહી કરતા નથી. અમિત શાહે પ્રેસ કોન્ફરન્સમાં તેનો જવાબ આપતા જણાવ્યું હતું કે, શાસક તેલંગાણા રાષ્ટ્ર સમિતિના(TRS) અને અખિલ ભારતીય મજલિસ એ ઇતેહાદ ઉલ મુસ્લીમીનના (AIMIM) ગઠબંધનથી તેલંગાનાના લોકોમાં રોષ અને નારાજગી છે. આ સાથે અમિત શાહે દાવો કર્યો હતો કે, આ વખતે હૈદરાબાદ મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપના મેયરની પસંદગી કરશે.
પરિવર્તન શરૂ થઈ ગયું છે અને હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે પછીનો પડાવ છે
અહીં ઓલ્ડ સિટીમાં આવેલા ભાગ્યલક્ષ્મી દેવી મંદિરની મુલાકાત લેતાં અમિત શાહે જણાવ્યું હતું કે, હૈદરાબાદની પ્રજા સુશાસન ઇચ્છે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના નેતૃત્વમાં વિશ્વાસ ધરાવે છે. તેલંગાણાના લોકોએ લોકસભાની ચૂંટણી(2019ની સંસદીય ચૂંટણી) દરમિયાન મોદીને જે રીતે ટેકો આપ્યો હતો, એ જોતા મને લાગે છે કે પરિવર્તન શરૂ થઈ ગયું છે અને હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે પછીનો પડાવ છે. હૈદરાબાદની જનતાએ ભાજપને તક આપવી જોઈએ. અમે હૈદરાબાદને નિઝામ સંસ્કૃતિથી મુક્ત કરવા માગીએ છીએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશ વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યો છે. જ્યાં ભાજપ જીતી ગઈ ત્યાં કોઈ સાંપ્રદાયિક તોફાનો થયા નથી.