17 ઑક્ટોબર, 1929ના રોજ, મહાત્મા ગાંધીએ દહેરાદૂનના રાજપુર વિસ્તારના શહેનશાહી આશ્રમમાં એક પીપળનું વૃક્ષ વાવ્યું હતું. આ વૃક્ષ, 87 વર્ષ જૂનું છે અને આઝાદીની લડતની યાદો સાથે જોડાયેલું છે. આ વૃક્ષે ભારતની સ્વતંત્રતા અને ત્યારબાદના ભારતને બદલાતા જોયા છે, પરંતુ આ વૃક્ષની કમનસીબી એ છે કે, જે વૃક્ષ તેની સદી પૂર્ણ કરવા જઈ રહ્યું છે, ત્યારે આજે કોઈ તેની સંભાળ લેતું નથી.
આ પીપળાના વૃક્ષને ગાંધીજીએ મસૂરીથી એક કાર્યક્રમમાંથી પરત ફરતા સમયે, પંડિત કેશવ દેવ શાસ્ત્રીની પ્રતિમાનું અનાવરણ કરતી વખતે તેમની યાદમાં રોપણી કરી હતી. માનવ ભારતી વિદ્યાલયમાં સ્વર્ગીય શિક્ષાવિદ પંડિત કેશવ દેવ શાસ્ત્રી બાળકોના મફત શિક્ષણ વાળી એક શાળા ચલાવતા હતાં. આ વાતથી ખુશ થઈને મહાત્મા ગાંધીએ આ સ્થળ પર આવીને શાસ્ત્રીજીની યાદમાં પીપળનું વૃક્ષ વાવ્યા પછી બાળકો સાથે બેસીને ભોજન કર્યુ હતું.
સ્વતંત્રતા સંગ્રામની યાદોને સહન કરતું આ વૃક્ષ ગંભીર બીમારી સામે લડ્યા બાદ આજે સુકાઈ જવાના આરે છે. જેના કારણે પ્રકૃતિ પ્રેમીઓ ખૂબ ચિંતિત છે. જ્યારે લોકોએ આ વિશે મુખ્ય વન સંરક્ષક જયરામને આ વાતની જાણકારી આપી ત્યારે, વન વિભાગ હરકતમાં આવ્યું. જે બાદ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આ વૃક્ષ અંગે માહિતી લીધી હતી. માળી રામજસ છેલ્લા 32 વર્ષથી આશ્રમના આ પીપળાના ઝાડની દરેક રીતે સંભાળ લઈ રહ્યા છે. ઘણા વર્ષોથી, ઝાડની ડાળીઓને કાપીને સંભાળ રાખી રહ્યા છે. પણ આજે આ ઝાડની જેમ માળી રામજસ પણ વૃદ્ધ થયા છે. આવી સ્થિતિમાં, એકલા આવા મોટા ઝાડની સંભાળ લેવી તેમના માટે સરળ નથી.
જો કે, આ ઐતિહાસિક વૃક્ષને સાચવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. નહીં તો આપણી આવનારી પેઢીઓને આ ઝાડ વિશે ક્યારેય ખબર નહીં પડે. ઉપરાંત, જાળવણીના અભાવે આજે આપણે આપણો ઐતિહાસિક વારસો ગુમાવી દઇશું.