મોદી સરકાર ગેરકાયદેસર પાર્કિંગ અટકાવવા માટે નવો કાયદો લાવી શકે છે. માર્ગ અને પરિવહન મંત્રાલયના પ્રધાન નિતિન ગડકરીએ એક રસપ્રદ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે કેન્દ્ર સરકાર હાલમાં એક નવા નિયમ અંગે વિચારી રહી છે. ' આ નિયમ અંતર્ગત રોડ પર ગેરકાયદેસર પાર્કિંગ કરનારા વ્યક્તિના વાહનનો ફોટો પાડી સંબંધિત વિભાગમાં મોકલતા તેના દંડના નાણાંનો એક ભાગ ફોટો પાડનાર વ્યક્તિને આપવામાં આવશે.'
નિતિન ગડકરીએ કહ્યું કે, પાર્કિંગની સમસ્યા મોટા શહેરોમાં વધી રહી છે. આવા સમયે મલ્ટી લેવવ પાર્કિંગ એ યોગ્ય વિકલ્પ છે. આ રીતનું પાર્કિંગ સરકારી અને બિનસરકારી સહિત હોટલો અને બજારોમાં પણ ઉભુ કરવું જોઈએ. જેથી રોડ પર પાર્ક કરાયેલા વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય. અમારો વિભાગ રાજ્યોની સરકાર સાથે શહેરોમાં રીંગરોડ બનાવવા માટે 50-50ના ફોર્મ્યુલા પર વાતચીત કરી રહી છે. પરંતુ હાલ રાજ્ય સરકારો તૈયાર નથી.
દિલ્હી-મુંબઈ વચ્ચે જે ટ્રક એક મહિનામાં ફક્ત 6થી 8 આંટા મારી શકે છે. હવે તે સરકાર દ્વારા બનાવાયેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર 10-11 વાર અવર-જવર કરી શકશે. તેમજ ટ્રક ફક્ત 15 ટન સામાન ભરતા હતા તે 40 ટન સુધી સામાન ભરી શકશે. તેનાથી સમય ઓછો વેડફાશે, ઉપરાંત પ્રદૂષણ પણ ઓછુ થશે અને વેપારીઓને ફાયદો થશે.