ન્યુઝ ડેસ્કઃ આ બાબતમાં બે અભિપ્રાયોને ધ્યાનમાં લેવા જોઈએ. પ્રથમ એ કે ભારત સંરક્ષણ પાછળ ખર્ચ કરવાનો ચોથો સૌથી મોટો દેશ છે. આરોગ્ય અને શિક્ષણ પાછળ જીડીપીના 1 ટકાથી ઓછો ખર્ચ થતો હોય અને આર્થિક રીતે મંદીનો માહોલ હોય, ત્યારે 1600 કરોડ રૂપિયાનું એક થાય એવા મોંઘા રફાએલ જેટ વિમાનો ખરીદવા માટે વધારે નાણાં ફાળવે તે તાર્કિક લાગે નહિ.
દેશમાં પાંચ કરોડ લોકો એવા છે જે અત્યંત ગરીબાવસ્થામાં જીવે છે અને મહિને 4200 રૂપિયાથી ઓછું કમાય છે. મિન્ટના અહેવાલ પ્રમાણે ડિસેમ્બર 2019માં ભારતમાં સત્તાવાર રીતે વધુ 3 કરોડ લોકો ગરીબી રેખાની નીચે જતા રહ્યા. આવી સ્થિતિમાં શું સેના માટે તોપની જગ્યાએ ગરીબી નિવારણ સરકારની પ્રાથમિકતા ના હોવી જોઈએ?
બીજો અભિપ્રાય એવો છે કે સંરક્ષણ બજેટ દેશની સામે સુરક્ષાનો જે ખતરો હોય તે પ્રમાણે હોવું જોઈએ અને વિશ્વમાં ભવિષ્યમાં દેશનું ક્યાં સ્થાન મેળવવાનું છે તે પ્રમાણે હોવું જોઈએ. દક્ષિણ એશિયા આજે દુનિયાનો સૌથી તંગદિલીગ્રસ્ત વિસ્તાર છે અને ભારતના પશ્ચિમમાં દુશ્મની કરનારો દેશ છે અને ઉત્તરમાં મહાસત્તા બનવાની ઇચ્છા ધરાવતો દેશ છે. આ બંનેનો ભારતે આગામી દિવસોમાં પણ સામનો કરતો રહેવાનો છે.
આગામી દાયકામાં પાકિસ્તાનનો લશ્કરી રીતે સામનો કરવો મુશ્કેલ નથી રહેવાનો (રાજકીય રીતે તે વધારે ચર્ચામાં રહેશે તે જુદી વાત છે), પણ ચીન વધુ ચિંતાનું કારણ બની રહેશે. ચીનનું હાલનું સંરક્ષણ બજેટ 250 અબજ ડૉલરનું છે, જે ભારત કરતાં ચારગણું વધુ છે. આગામી દિવસોમાં આ તફાવત વધવાનો છે. યુરોપિયન કમિશનના એક અભ્યાસમાં અંદાજ મૂકાયો હતો કે 2030, સુધીમાં ભારતનો સંરક્ષણ ખર્ચ 213 અબજ ડૉલર થશે, જ્યારે ચીનનો 736 અબજ ડૉલરનો થશે. તે રીતે બંને દેશ વચ્ચે 500 અબજ ડૉલરનો ગાળો હશે.
ચીનનો ઉદય શાંતિપૂર્ણ નથી રહેવાનો અને તેના ચિહ્નો આપણે જોયા છે. અમેરિકા અને ચીન બંને વેપાર અને ટેક્નોલૉજી વૉર ચાલી રહી છે અને તેની અસર દુનિયા પર પડી શકે છે. આ સ્પર્ધામાં ભારત મહત્ત્વનો સંતુલન કરનારો દેશ બની શકે છે. જોકે વિશ્વમાં મહત્ત્વના ખેલાડી બની રહેવા માટે ભારતે તાકાત પણ દેખાડવી પડે અને માત્ર સૉફ્ટ પાવર ના ચાલે. છેલ્લા થોડા સમયમાં ભારતનો હાર્ડ પાવર ઓછો થયો છે.
આ બે બાબતો વચ્ચે કેવી રીતે મેળ બેસાડવો? એટલું સ્પષ્ટ છે કે સેનાએ તંગ બજેટથી કામ ચલાવવાનું છે. સૌથી પહેલાં નજરે ચડે છે, ઊંચા પગારો અને પેન્શન. પણ ત્યાં કાપ મૂકી શકાય તેમ નથી. પ્રતિભાવાન લોકોને આકર્ષવા હોય તો વળતર સારું રાખવું પડે. અમેરિકામાં 40 ટકા બજેટ સૈનિકોના પગાર અને ભથ્થાં પાછળ વપરાય છે. એવો જ મામલો પેન્શનનો છે. જાનના જોખમે દેશની સેવા કરનારા સૈનિકની કાળજી દેશે લેવી જોઈએ. આપણી પેન્શનની રકમ વિશ્વના બીજા દેશો જેટલી જ લગભગ છે.
તેના કારણે સેનાની સંખ્યા અને તેનું સ્વરૂપ કેવું છે તેના પર જ નવેસરથી વિચાર કરવો જરૂરી છે. સેનામાં 40 વર્ષ રહ્યા પછી મને સમજાયું છે કે માણસો ઓછા કરવાની બાબતમાં ઉદાસિનતા રહેલી છે. માળખાકીય સુવિધા, તાલીમ અને હવાઇ સુરક્ષા જેવી કેટલીક બાબતોમાં ત્રણેય પાંખ વચ્ચે કેટલીક જગ્યાએ કામ બેવડાઈ રહ્યું છે. એ બાબત રાહતદાયક છે કે નવા CDS આ બાબતમાં વિચાર કરી રહ્યા છે.
કેટલાક એકમોમાં આરક્ષિત ટુકડીઓ રાખવાનો પણ વિચાર થઈ શકે છે તે રીતે પણ માણસો પાછળનો ખર્ચ બચાવી શકાય છે. હવાઈ દળ અને નૌકા દળ બંને 200 જહાજો અને ફાઇટર વિમાનોની 44 સ્કોડન બનાવવા માગે છે તેના પર પુનઃવિચાર કરવો જોઈએ. શસ્ત્રસરંજામનો ખર્ચ વધી રહ્યો છે ત્યારે આટલી સંખ્યા પરવડી શકે તેમ નથી.
આ સમસ્યા માત્ર ભારતની નથી. 750 અબજ ડૉલરનું બજેટ ધરાવતા અમેરિકાએ પણ પોતાના નૌકા દળના જહાજોની સંખ્યા 600માંથી ઘટાડીને 300થી ઓછી કરી દીધી છે. હવાઇ દળે પણ 70 એક્ટિવ ફાઇટર સ્ક્વોડન હતી તે ઘટાડીને 32 કરી છે.
એવી દલીલ થઈ શકે કે માણસો ઘટાડવાથી સેના નબળી પડે. આ વાત સાચી નથી. સારી રીતે સજ્જ અને ઓછા સૈનિકો ધરાવતી સેના પણ વધુ વિશાળ પણ જૂના શસ્ત્રો ધરાવતી સેના સામે અસરકારક સાબિત થઈ શકે છે. 2015થી ચીને પોતાના સૈનિકોની સંખ્યા 3,00,000 જેટલી ઘટાડી છે. તેનાથી PLA નબળી નથી પડી, ઉલટાની યુદ્ધ માટે વધારે સજ્જ બની છે.
સંરક્ષણ બજેટની ફાળવણી જોઈને સામાન્ય રીતે સેનામાં નિરાશા છવાતી હોય છે. સાથે જ સિનિયર અફસરો માટે નવું સ્વરૂપ અને સુધારા માટે વિચારવું પણ જરૂરી બન્યું છે. બજેટનું આ કદ અને હાલની સેનાનું કદ બંને સાથે ચાલી શકે તેમ નથી.
-લેફ્ટનન્ટ જનરલ (નિવૃત) ડી. એસ. હૂડા