બદાયુઃ જિલ્લા મેજિસ્ટ્રેટ કુમાર પ્રશાંતે સોમવારે જણાવ્યું હતું કે, જિલ્લાના ઉઘૈતી પોલીસ સ્ટેશન વિસ્તારના અમૃતપુરમાં એક વ્યક્તિના ધાર્મિક કાર્યક્રમમાં ગામ માટે એક ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો. જેમાં ગામ અને આજુ-બાજુના વિસ્તારના તમામ ઉંમરના સેંકડો લોકોએ ભોજન લીધું હતું. એક પછી એક તમામ લોકોની હાલત બગડવાની શરૂ થઈ હતી. જેથી લોકોને પ્રાથમિક સારવાર માટે ઉઘૈતી શહેરના PHCમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
તેમણે કહ્યું કે, જો કે, 28 લોકોની હાલત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે જિલ્લાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યાં છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગામમાં કેમ્પ ચાલું કરાયો છે અને લોકો ડૉકટરની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ફૂડ પોઇઝનિંગ થયેલા 290 લોકોની સારવાર કરવામાં આવી છે.
હોસ્પિટલમાં પહોંચેલા બીમાર લોકોએ જણાવ્યું કે, ભોજન લેવાથી લગભગ 400 લોકો બીમાર થઈ ગયા છે, જેમાં 28 લોકોની હાલત ગંભીર છે. ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો.બી.વી. પુષ્કરે જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત લોકોની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, ત્યાં 28 લોકોને પ્રાથમિક સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. તમામ દર્દીઓએ પેટમાં દુખાવો અને ઉલટી થવાની ફરિયાદ કરી હતી.