મધ્યપ્રદેશઃ સીએમ કમલનાથને ઝટકો આપતા સુપ્રિમ કોર્ટે આજે સાંજ સુધીમાં બહુમતી સાબિત કરવા જણાવ્યું છે. આ કેસમાં ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં વિધાનસભાના અધ્યક્ષ એન.પી.પ્રજાપિતને વિધાનસભાના વિશેષ સત્ર બોલાવવા અને આ સત્રમાં ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે આજે એટલે કે 20 માર્ચે સાંજે 5 વાગ્યા સુધી ફ્લોર ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ કરવાનું કહ્યું છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચુડે સમગ્ર પ્રક્રિયાની વીડિયો રેકોર્ડિંગ કરવાનું પણ કહ્યું છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે, કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા 16 ધારાસભ્યો પર કોઈ દબાણ નથી. પરંતુ જો તે ધારાસભ્યો ગૃહમાં આવવા માંગતા હોય તો કર્ણાટક અને મધ્યપ્રદેશની પોલીસ તેમને સુરક્ષા આપશે.
આ દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ બપોરે 12 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ કરશે. માનવામાં આવી રહ્યું છે કે, સીએમ કમલનાથ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન પદેથી રાજીનામાની જાહેરાત કરી શકે છે. એક તરફ સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશ વિધાનસભામાં આજે જ ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે ત્યારે બીજી બાજુ કમલનાથ સરકારનાં નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારનાં 16 વિદ્રોહી ધારાસભ્યોનાં રાજીનામ મંજૂર થઈ ગયા છે.