નવી દિલ્હી: દેશના કેટલાક રાજ્યોમાં પૂર, વરસાદ, ભૂસ્ખલનના કારણે સ્થતિ બગડી છે. કેરળમાં અત્યાર સુધીમાં 48 લોકોના ભૂસ્ખલનના કારણે મોત થયા છે. આસામમાં 110 લોકોના મોત પૂરના કારણે થયા છે. ભારે વરસાદના કારણે મુંબઈના હાલ બેહાલ છે, તો બીજી તરફ બિહરમાં પૂરથી લોકો ત્રાહિમામ છે.
બિહારમાં પૂરથી 74 લાખથી વધુ લોકો પ્રભાવિત છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ સીતામઢી, શિવહર, સુપૌલ, કિશનગંજા, દરભંગા, મુજફ્ફરપુર, ગોપાલગંજ, પૂર્વી ચંપારણ પૂરથી પ્રભાવિત થયા છે. આ સિવાય પશ્ચિમ ચંપારણ, ખગડિયા, સારણ,સમસ્તીપુર, સિવાન, મધુબની, મધેપુરા અને સહરસા જિલ્લાઓ પણ પૂરથી પ્રભાવિત છે. આ જિલ્લામાં 1232 પંચાયતોના 74 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.
બિહારમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કાર્ય અને રાહત કાર્ય શરુ કરાયું છે. એનડીઆરએફ અને એસડીઆરએફની કુલ 33 ટીમ તૌનાત કરાઈ છે. બાગમતી, અધવારા સમૂહ, કમલા બલાન, ગંડક, બૂઢી ગંડક, જેવી નદીઓના જળ સ્તરમાં થયેલા વધારાથી પૂરની સ્થતિ સર્જાય છે. અનેક નદીઓ હજુ પણ તેમના ભયજનક સ્તર ઉપરથી વહી રહી છે. બિહારમાં પૂરથી અત્યાર સુધીમાં કુલ 23 લોકોના મોત થયા છે. દરભંગા જિલ્લામાં સૌથી વઘુ 9 લોકોના મોત થયા છે. મુજફ્ફરપુરમાં 6, પશ્ચિમ ચંપારણમાં 4 અને સારણ અને સિવાનમાં 2-2 લોકોના મોત થયા છે.
બીજી તરફ આસામમાં 110 લોકોના મોત પૂરના કારણે થયા છે. આસામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ (ASDMA)એ જાહેર કરેલા આંકડા અનુસાર રાજ્યના 4 જિલ્લાઓમાં પૂરથી પ્રભાવિત લોકોની સંખ્યા વધીને 8,456 થઈ છે. ધેમાજી, લખીમપુર, બક્સા અને મોરીગામ જિલ્લાના 76 ગામ પૂરથી ત્રસ્ત છે. પૂરના કારણે 4,156 હેક્ટરના ખેડૂતોના પાકને નુકસાન થયું છે. તમને જણાવી દઈએ કે, ઈડુક્કી જિલ્લામાં રવિવારના 17 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતાં. જેમાં ભૂસ્ખલનથી મૃત્યુઆંક વધીને 43 થયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અને આગામી 5 દિવસ સુધીમાં ઓડિશામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. પંજાબ અને હરિયાણામાં પણ વરસાદના કારણે તાપમાનમાં ફેરફાર થશે. ભારતીય હવામાન વિભાગ મુજબ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉતરી પંજાબ, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, પૂર્વી રાજસ્થાન, પૂર્વી મધ્યપ્રદેશ, કર્ણાટક અને કેરળના તટીય વિસ્તારોમાં વરસાદ પડશે.
વિભાગના જણાવ્યા મુજબ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હરિયાણા, ચંદીગઢ,, દિલ્હી, પૂર્વી ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, વિદર્ભ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કોંકણ, ગોવા, દરિયાકાંઠા આંધ્રપ્રદેશ, યનામ, તેલંગાણા અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે.
આઈએમડીએ કાસારગોદ, કન્નુર, વાયનાડ, કોઝિકોડ, મલાપ્પુરમ અને અલાપ્પુઝા જિલ્લામાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે.