નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દર્દીઓ માટે એમ્બ્યુલન્સના ભાડાનો વાજબી દર નક્કી કરવા આદેશ આપ્યો છે. આ સાથે કોર્ટે કહ્યું કે તમામ રાજ્યોએ કોરોના દર્દીઓ માટે દરેક જિલ્લામાં પૂરતી સંખ્યામાં એમ્બ્યુલન્સ ફાળવવી પડશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમામ રાજ્યોએ કોરોનાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર સૂચનોનું પાલન કરવું પડશે. કોરોનાના નામે એમ્બ્યુલન્સના વધુ ખર્ચ સામે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. જેના પર કોર્ટે શુક્રવારે સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો છે.
આ નિર્ણય બાદ હવે કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓને રાહત મળે તેવી અપેક્ષા છે. કારણ કે અત્યાર સુધી હોસ્પિટલ મેનેજમેન્ટ દર્દીઓ પાસેથી એમ્બ્યુલન્સ ભાડુ વસૂલતો હતો. દેશભરમાંથી આવા અનેક કિસ્સા સામે આવ્યા હતા, જેમાં લોકોએ એમ્બ્યુલન્સના ઓવરચાર્જ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. જૂનમાં પણ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક કોરોનાથી સંક્રમિત મહિલાએ એમ્બ્યુલન્સ ફી પ્રતિ કિલોમીટર 1 હજાર ચૂકવવી પડી હતી.