નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ શુક્રવારે દિલ્હી અને ઉતર પ્રદેશના આગ્રામાં દેખાવો થયા હતા. ઉતર પ્રદેશમાં ફાયરિંગ દરમિયાન 8 લોકોના મોત થયા છે. બિજનોરમાં 2 વ્યક્તિના મોત થયા છે, જ્યારે ફિરોઝાબાદ, સંભલ અને મેરઠમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે.
લખનઉમાં ગુરુવારે ઘાયલ થયેલા યુવકનું શુક્રવારે સારવાર દરમિયાન મોત થયું. અહીં ઘણાં જિલ્લાઓમાં પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકીઓને સળગાવવામાં આવી હતી. પથ્થરમારા દરમિયાન કુલ 50 લોકો ઘાયલ થયા છે. દિલ્હીમાં જામા મસ્જિદ વિસ્તારમાં સમગ્ર દિવસ દરમિયાન શાંતિ રહી હતી. જોકે સાંજના સમયે દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જાફરાબાદમાં લોકોએ પોલીસને ગુલાબના ફૂલ આપ્યા અને ચા પણ પીવડાવી. કોંગ્રેસ જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી ઈન્ડિયા ગેટ પર દેખાવકારોને મળવા પહોંચ્યા હતા.
લખનઉમાં ગુરુવારે હિંસક પ્રદર્શન થયા હતા. જો કે, શુક્રવારે અહીં શાંતિ રહી હતી. દિલ્હીની જામા મસ્જિદની બહાર લોકોએ પ્રદર્શન કર્યા હતા. અહીં ભીમ આર્મીએ માર્ચ પણ શરૂ કરી છે, જે જંતર-મંતર સુધી જશે. પોલીસે ભીમ આર્મીને માર્ચની મંજૂરી આપી નહોતી. પૂર્વોત્તર દિલ્હીમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હીના 6 મેટ્રો સ્ટેશન બંધ કરવામાં આવ્યા છે.
શુક્રવારે ગોરખપુર, કાનપુર, ઉન્નાવ, બુલંદ શહર, હાથરસ, મુઝફ્ફરનગર, સીતાપુર, બિજનોર, મુરાદાબાદ, ફિરોઝાબાદ, ભગોહી અને બહચરાઈમાં પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે જવાબી કાર્યવાહીમાં ટીયર ગેસ છોડ્યા હતા. રાજ્યમાં કલમ 144 લાગુ કરવામાં આવી હોવા છતાં અહીં લખનઉ અને સંભલમાં નાગરિકતા કાયદાના વિરોધમાં હિંસક પ્રદર્શન કરવામાં આવ્યું હતા. પોલીસે લખનઉમાં 7 કેસ નોંધ્યા છે અને 200 પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે. ફાયરિંગમાં મૃત્યુ પામેલા એક યુવકની પોસ્ટમોર્ટમ વીડિયોગ્રાફી કરવામાં આવી છે.