કોરોનાવાઇરસ કેવો દેખાય છે, તેની ભારતે લીધેલી પ્રથમ તસવીરો જારી કરવામાં આવી છે. પૂણેમાં ICMR-NIV વિજ્ઞાનીઓ દ્વારા કોરોનાવાઇરસની આ તસવીરો ઝડપવામાં આવી છે.
તસવીવરો ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ઇમેજિંગના ઉપયોગથી લેવાઇ છે અને ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે.
કોવિડ-19નું નિમિત્ત બનતા વાઇરસ – સાર્સ-કોવ-2ની તસવીરો ભારતમાં 30મી જાન્યુઆરીના રોજ નોંધાયેલા લેબોરેટરી દ્વારા પ્રથમ કન્ફર્મ્ડ કેસના થ્રોટ સ્વેબમાંથી લેવાઇ છે. ચીનના વુહાનમાં મેડિસિનનો અભ્યાસ કરી રહેલા ત્રણ વિદ્યાર્થીઓ ભારત પરત ફર્યા, ત્યાર બાદ તે પૈકીની એક મહિલાને કોવિડ-19 હોવાનું નિદાન થયું હતું.
કેરળનાં સેમ્પલોના જિન સિક્વન્સિંગનું કાર્ય પૂણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિરોલોજી (એનઆઇવી) ખાતે કરવામાં આવ્યું હતું. જેના આધારે માલૂમ પડ્યું હતું કે, આ વાઇરસ વુહાનના વાઇરસ સાથે 99.98 ટકા સામ્યતા ધરાવતો હતો.
તસવીરમાં ગોળાકાર પેપ્લોમેરિક સ્ટ્રક્ચર્સમાં મળતા દાંડી જેવા બહાર નિકળતા આકારની હાજરી જોવા મળી હતી.
અભ્યાસમાં જણાવ્યા પ્રમાણે, "સંક્ષિપ્તમાં, અમારી જાણકારી મુજબ, પીસીઆર દ્વારા કન્ફર્મ કરાયેલા થ્રોડ સ્વેબના નમૂનામાં પ્રત્યક્ષપણે ટીઇએમનો ઉપયોગ કરીને સાર્સ-કોવ-2 વાઇરસની ઓળખ કરતો ભારત દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલો આ પ્રથમ રિપોર્ટ છે. ટીઇએમ ઇમેજિંગ નમૂનામાં પાર્ટિકલ લોડ દ્વારા મર્યાદિત હોવા છતાં, અમે પ્રારંભિક ફિક્સેશન વિના સ્ટોર કરવામાં આવેલા ક્લિનિકલ સેમ્પલમાં આકૃતિ વિજ્ઞાન (મોર્ફોલોજી)ની દ્રષ્ટિએ ઓળખ કરી શકાય તેવા સાબૂત પાર્ટિકલ્સને શોધી શક્યા છીએ."
"ટ્રાન્સમિશન ઇલેક્ટર્ન માઇક્રોસ્કોપી ઇમેજિંગ ઓફ SARS-CoV-2" શીર્ષક ધરાવતો આ લેખ આઇસીએમઆર – એનઆઇવી નેશનલ ઇન્ફ્લૂએન્ઝા સેન્ટર ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તેના લેખકોમાં એનઆઇવી, પૂણે ખાતે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી એન્ડ પેથોલોજીના ડેપ્યુટી ડિરેક્ટર તથા હેડ અતાનુ બાસુનો સમાવેશ થાય છે.
આ લેખ મુજબ, વાઇરસનો એક ચોક્કસ કણ ઘણી યોગ્ય રીતે સચવાયેલો હતો અને તે કોરોનાવાઇરસની ચોક્કસ લાક્ષણિકતા દર્શાવતો હતો. આ કણનું કદ 75 એનએમ હતું.
અભ્યાસ અનુસાર, નવતર હ્યુમન કોરોનાવાઇરસનું વર્ણન, શરૂઆતમાં વુહાન કોરોનાવાઇરસ (સીઓવી) તરીકે કરવામાં આવતું હતું. વર્તમાન સમયમાં ઇન્ટરનેશનલ કમિટિ ઓન ટેક્સોનોમી ઓફ વાઇરસ (આઇસીટીવી) દ્વારા તેને ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસની બિમારી (સિવિયર અક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ – સાર્સ) –Cov-2 તરીકે નિર્દિષ્ટ કરવામાં આવ્યો છે. સંભવિતપણે તે વ્યાપક પ્રસારની ઊંચી શક્યતા ધરાવતો તાજેતરનો માનવ ન્યુમોનિયા વાઇરસ છે.
આ નવતર વાઇરસની ઓળખ પ્રારંભમાં નેક્સ્ટ-જનરેશન સિક્વન્સિંગ (એનજીએસ) થકી કરવામાં આવી હતી અને તે સંભવતઃ ઝૂનોટિક મૂળ ધરાવતો હોવાનું સૂચન કરવામાં આવ્યું હતું. હજી સુધી, આ વાઇરસના અલ્ટ્રાસ્ટ્રક્ચર તથા વિગતવાર મોર્ફોલોજી (આકૃતિ વિજ્ઞાન)ની સંપૂર્ણ સમજૂતી મેળવી શકાઇ નથી.