આ વર્ષની અમરનાથ યાત્રા 1 જૂલાઈથી શરૂ થઈ 15 ઑગસ્ટ સુધી ચાલનાર છે. આ માટે આજથી શરૂ થયેલી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યાં છે. આ પૈકી યાત્રાળુઓનો પ્રથમ જથ્થો યાત્રા માટે રવાના થયો છે. બાબા બર્ફાનીના ભક્તો યાત્રા દરમિયાન કોઈ પણ જાતની પડકારોનો ડર ન હોવાનું જણાવી રહ્યાં છે. યાત્રાળુઓ પોતાને ભગવાન શિવ અને ભારતીય સેના પર સંપૂર્ણ વિશ્વાસ હોવાનું જણાવી રહ્યાં છે.
સઘન સુરક્ષા વચ્ચે સેના દ્વારા ખૂબ જ ધ્યાનપૂર્વક દેખરેખ રાખવામાં આવી રહી છે. અગાઉ ગૃહપ્રધાન અમિત શાહે પણ અહીં બેઠકો કરી સુરક્ષા-વ્યવસ્થાની તપાસ કરી હતી અને જરૂરી દિશા-નિર્દેશ રજૂ કર્યા હતા. રાજ્યપાલ સત્યપાલ મલિકે અમરનાથ ગુફા તરફ જતાં બાબતાલ અને પહલગામ માર્ગોનું નિરીક્ષણ કર્યું હતુ.
અમરનાથ યાત્રાના પ્રથમ જૂથમાં 793 પુરૂષ, 203 મહિલાઓ, 10 બાળકો, 44 પુરૂષ સાધુ, 1 મહિલા સાધુ મળી કુલ 1051 શ્રદ્ધાળુઓ રવાના થયા છે. બીજીતરફ પહલગામ માર્ગ પરથી રવાના થયેલા પ્રથમ જથ્થામાં 1046 પુરૂષ, 130 મહિલાઓ અને 7 બાળકોનો સમાવેશ થાય છે. અહીં કુલ 1187 શ્રદ્ઘાળુઓનો રવાના થયા છે.
હાલમાં ભારતીય સેના આંતકવાદીઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે. જેના કારણે આંતકવાદીઓ બદલો લેવાનો પ્રયત્ન કરે તેવી શક્યતાઓ છે. તેઓ યાત્રાના માર્ગ અને તેની પર સુરક્ષા પૂરી પાડી રહેલા જવાનોને ટાર્ગેટ બનાવી શકે છે. જે માટે ગૃહ વિભાગ અને સેના દ્વારા અગાઉથી એક્શન પ્લાન અને સુરક્ષા માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. પુલવામાં હુમલા બાદ સૈન્ય દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ સિસ્ટમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ વર્ષે મોટી સંખ્યામાં બુલેટપ્રૂફ અને એમવીપીનો યાત્રામાં ઉપયોગ કરાશે.
આ વર્ષે પહલગામ અને બાલાટાન બંને રૂટ પર આરઓપી અને એન્ટી સૈબોટાઝ ટીમની સંખ્યા વધારવામાં આવી છે. યાત્રા રૂટ પર IEDનો ખતરો જોતા BDT ટીમની સંખ્યા બમણી કરી દેવામાં આવી છે. તેમજ IEDના 40 નવા એક્સપર્ટ લાવવામાં આવ્યા છે, જેમણે હાલમાં જ આ અંગે તાલીમ લીધી છે. યાત્રાના રૂટ પર સીસીટીવી અને ડ્રોનની સંખ્યા પણ બમણી કરાઈ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહ વિભાગે અમરનાથ યાત્રાને હાઈટેક બનાવવા માટે 55 કરોડ રૂપિયા વધારે આપ્યા છે. પહેલગામના નુનવાવ કેમ્પ અને બાલાટાલ કેમ્પની સુરક્ષા માટે વિશેષ કમાન્ડો તૈનાત કરી દેવાયા છે.