નવી દિલ્હીઃ રાજધાનીના મુંડકા વિસ્તારમાં એક કાર સવાર યુવકને પીસીઆરે ઝડપી પાડ્યો છે. આ વ્યક્તિ પોતાને હરિયાણા પોલીસનો ASI ગણાવી રહ્યો હતો. તેણે ગાડીમાં પોલીસની વર્દી પહેરી હતી અને પોતાની વાત સાબિત કરવા માટે એએસઆઇનું આઇ-કાર્ડ પણ બતાવ્યું હતું, પરંતુ તપાસમાં તે નકલી હોવાનું સામે આવ્યું હતું. જેના પર કેસ દાખલ કરીને મુંડકા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
ડીસીપી શરત સિન્હાના કહેવા અનુસાર સવારના સમયે પીસીઆર વેનમાં તૈનાત સિપાહી સત્યેન્દ્ર અને હવલદાર રાજકુમાર રોહતક રોડ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમણે એક ગાડીને સંદિગ્ધ અવસ્થામાં મેટ્રોના પિલર પાસે જોઇ હતી. શંકા જવા પર તે ગાડીની નજીક ગયા અને તેની તપાસ કરી હતી. તેમણે જોયું કે, અંદર એક પોલીસની વર્દી છે. આ ગાડીમાં બેઠેલા વ્યક્તિની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો તેણે હરિયાણા પોલીસમાં એઆઇએસ છે તેમ જણાવ્યું હતું. તેમણે જ્યારે તેનું આઇ-કાર્ડ જોયું તો શંકા જતા આખરે તેણે કબુલાત કરી હતી અને આ આઇ-કાર્ડ નકલી છે તેમ જણાવ્યું હતું.
મુંડકા પોલીસે આરોપીની કરી ધરપકડ
પીસીઆરે આ કેસની જાણકારી મુંડકા પોલીસને આપી હતી. આ બાબતે કેસ દાખલ કરીને મુંડકા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જેની ઓળખ 40 વર્ષીય ધર્મેન્દ્રના રુપે થઇ છે, જે હરિયાણાના બહાદુરગઢનો રહેવાસી છે. તેની પાસે રહેલી પોલીસની વર્દી અને નકલી આઇ-કાર્ડ પણ પોલીસે જપ્ત કર્યું છે. પોલીસ તેની પૂછતાછ કરીને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, આખરે આ વર્દી અને નકલી આઇ-કાર્ડ પાછળનો તેનો ઇરાદો શું હતો.