બિલાસપુર (હિમાચલ પ્રદેશ): જિલ્લાના ઝંડુતા વિધાનસભા મત વિસ્તાર હેઠળ આવતા દાદર ગામમાં ગાય સાથે ક્રૂરતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ કેસ કેરળના સગર્ભા હાથી સાથે ક્રૂરતાના કેસ જેવો જ છે. જો કે, આ મામલો 26 મેનો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં એક વ્યક્તિ જણાવી રહ્યો છે કે, તેની ગાયને વિસ્ફોટક પદાર્થ ખવડાવીને ઇજા પહોંચાડી હતી. મોઢામાં વિસ્ફોટક પદાર્થ ફૂટ્યા બાદ ગાયના જડબામાં ઈજા થતા ફાટી ગયું હતું.
જે વ્યક્તિએ આ વીડિયો બનાવ્યો છે, તે પોતાનું નામ ગુરુદિયાલ સિંહ છે. ગુરદિયાલસિંહે કહ્યું કે, તેમની ગાય ગર્ભવતી છે. બે ત્રણ દિવસ પછી, ગાય બાળકને જન્મ આપવાની હતી, પરંતુ તેની ગાયને પેંડામાં વિસ્ફોટકો આપવામાં આવ્યું હતું. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ગુરદિયાલસિંહે તેના પાડોશી પર ગાયને વિસ્ફોટક પદાર્થ આપવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધ્યો છે.
હવે આ મામલો મીડિયામાં આવ્યા બાદ ડી.એસ.પી હેડક્વાર્ટર બિલાસપુર સંજય શર્મા પણ શનિવારે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ ગામમાં પહોંચી ગઈ છે અને કેટલાક લોકોના નિવેદનો નોંધ્યા છે. તેમજ પોલીસે ઘટનાસ્થળેથી કેટલાક નમૂનાઓ પણ લીધા છે, જેને તપાસ માટે એફએસએલ લેબમાં મોકલવામાં આવી રહ્યા છે.
પોલીસનું કહેવું છે કે, આ મામલો ખૂબ જ સંવેદનશીલ છે અને જો તપાસ દરમિયાન કોઈ પણ વ્યક્તિ દોષી સાબિત થશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગાય પરના આ દુર્વ્યવહાર માટે 26 મેના રોજ પોલીસે એફઆઈઆર નોંધી હતી.
ડી.એસ.પી સંજય શર્માએ જણાવ્યું હતું કે, પોલીસે પશુ ક્રૂરતા અધિનિયમની કલમ 286 હેઠળ ગુનો નોંધ્યો છે અને તપાસ ચાલુ છે.
આ ઘટના કેરળમાં થયેલી હાથણીની હત્યા સમાન છે. તે ઘટનામાં પણ સગર્ભા હાથણીને વિસ્ફોટ પદાર્થ ખવડાવ્યો હતો. 3 દિવસ પછી હાથણીનું નદીના પાણીમાં જ મોત થયું હતું.
આ ગાયનો વીડિયો વાયરલ થતા લોકોએ દોષી સામે ઝડપથી કડક કાર્યવાહીની માગ કરી છે. ઘટનાની ગંભીરતાને જોઈ પોલીસના ઉચ્ચ અધિકારીએ બિલાસપુર પોલીસને આ મામલે ઝડપથી કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.