નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના બલરામપુરમાં અબુ યુસૂફના ઘરેથી આત્મઘાતી હુમલામાં ઉપયોગ કરવામાં આવતા જેકેટ સહિત ભારે માત્રામાં વિસ્ફોટક મળી આવ્યાં છે. કથિત રીતે આ જેકેટ આત્મઘાતી હુમલા માટે તૈયાર કરાયાં હતાં.
ગઇકાલે દિલ્હીથી ધરપકડ કરવામાં આવેલો ISનો સંદિગ્ધ આતંકી અબૂ યુસૂફ બલરામપુરનો રહેવાસી છે. સૂત્રો મુજબ, બલરામપુરમાં સ્થિત એક કબ્રસ્તાનમાં યુસૂફ કુકર બોમ્બ બનાવવાની પ્રેક્ટિસ પણ કરતો હતો. આ આગાઉ લખનઉથી આતંકી અબુ યુસૂફના સંબધી મઝહરની ધરપકડ કરવામાં આવી હતી.
દિલ્હીથી ધરપકડ કરવામાં આવેલા આતંકી અબુ યુસૂફની પુછપરછ બાદ તેના આધાર પર તેના પિતા સહિત ત્રણ અન્ય લોકોની ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આતંકવાદી અબુ યુસુફના ગુમ થયાની નોંધ લેવા કોલ કરનાર મઝહરની દુબગ્ગા પોલીસે ધરપકડ કરી છે.
કહેવામાં આવી રહ્યું છે કે, મઝહર આતંકવાદી યુસુફનો સબંધી છે. પોલીસે તેની ધરપકડ ફિરદૌસ કોલોની દુબગ્ગાથી કરી હતી. આ સાથે સમગ્ર ઉત્તર પ્રદેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ATS અને પોલીસ ટીમ દ્વારા ગત રાત્રે 12થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. ડઝનથી વધુ લોકો ATSની રડાર પર છે.