ન્યૂઝ ડેસ્ક : બિહાર વિધાનસભાની 243 બેઠક માટે શનિવારે મતદાન પૂર્ણ થઈ ગયું છે. કોરોના મહામારી વચ્ચે બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી. જેનું પરિણામ 10 નવેમ્બરના રોજ આવશે. બિહાર વિધાનસભાની ચૂંટણી પરિણામ અંગે વિવિધ મીડિયા અને સર્વે સંસ્થાઓ દ્વારા એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા છે. બિહાર ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓની શાખ દાવ પર લાગી છે. એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા બાદ રાજનૈતિક પાર્ટીઓને મહદઅંશે મળનારી બેઠકોની સ્થિતિ સાફ થઇ જશે. જો કે, કોને કેટલી બેઠક મળશે એ તો 10 નવેમ્બરના રોજ યોજાનારી મતગણતરી બાદ ખબર પડી જ જશે. દરેક પાર્ટી પોતાની જીતનો દાવો કરી રહી છે.
બિહાર રાજ્યની 243 વિધાનસભા બેઠકો માટેની મુખ્યત્વે ભાજપ-જેડીયુના રાષ્ટ્રીય લોકતાંત્રિક જોડાણ (એનડીએ) અને આરજેડી-કોંગ્રેસના મહાગઠબંધન વચ્ચે જંગ જામશે. એનડીએએ જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)ના નેતા નીતીશ કુમાર બનાવ્યા છે અને મહાગઠબંધન રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના તેજસ્વી યાદવને મુખ્યપ્રધાન પદના ઉમેદવાર બનાવશે.
ભાજપ અને જેડીયુએ પ્રચાર દરમિયાન ઘણાં વચનો આપ્યા હતા. કોરોના મહામારી સામે રક્ષણ આપતી રસી મફત મૂકી આપવાનું વચન સૌથી વધુ ચર્ચામાં રહ્યું હતું. જો વિરોધી પક્ષો પર નજર કરવામાં આવે તો ભાજપ-જેડીયુ વિરુદ્ધ ચૂંટણી લડી રહેલા આરજેડીએ યુવાનોને 10 લાખ નોકરી આપવાનું વચન આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 28 ઓક્ટોબરના રોજ પ્રથમ તબક્કામાં 16 જિલ્લાની 71 બેઠકો પર મતદાન થયું હતું. 3 નવેમ્બરના રોજ બીજા તબક્કાની 94 બેઠકો પર મતદાન યોજાયું હતું, જ્યારે 7 નવેમ્બરના રોજ ત્રીજા તબક્કામાં 15 જિલ્લાની 78 બેઠકો પર મતદાન યોજાયું હતું. મતની ગણતરી 10 નવેમ્બરના રોજ કરવામાં આવશે.
એજન્સી | એનડીએ | મહાગઠબંધન | એલજેપી | અન્ય |
સી વોટર એબીપી | 104-128 | 108-131 | 01-03 | 04-08 |
ટાઇમ્સ નાઉ | 116 | 120 | 01 | 06 |
રિપ્લિક જન કી બાત | 91-117 | 118-138 | 05-08 | 03-06 |
TV-9 | 110-120 | 115-125 | 03-05 | 10-15 |