નવી દિલ્હી: દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અંકિત શર્મા ઉત્તર-પૂર્વી દિલ્હીનો એક જાણીતો ચહેરો હતો. તેની હત્યા એક સુનિયોજીત કાવતરું હતું. તાહિર હુસૈનના નેતૃત્વમાં 10 લોકોના ટોળા દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેની ચાકુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ જયારે તેના મૃતદેહને ગટરમાં ફેંકી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. જેના દ્વારા ક્રાઈમ બ્રાંચને કાવતરાનો પર્દાફાશ કરવામાં સફળતા મળી હતી.
તમને જણાવી દઈએ કે ઉત્તર-પૂર્વી દિલ્હીમાં થયેલા હિંસક તોફાનો દરમિયાન ગત 25 ફેબ્રુઆરીના રોજ આઈબી કર્મચારી અંકિત શર્માની ચાકુના ઘા મારીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના બીજા દિવસે એટલે કે 26 ફેબ્રુઆરીએ ચાંદબાગ પાસેની ગટરમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ગુનાની સમગ્ર તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી હતી.
અંકિત શર્માના મૃતદેહના પોસ્ટમોર્ટમ દરમિયાન તેના શરીર પર 51 જગ્યાએ ચાકુના ઘા મળી આવ્યા હતા. તપાસમાં તાહિર હુસૈનનું નામ સામે આવતા તે અને તેના અન્ય 10 સાગરીતોની દિલ્હી પોલીસ દ્વારા પહેલેથી જ ધરપકડ કરવામાં આવી છે. હત્યામાં વપરાયેલા ચાકૂ અને અંકિત શર્માના લોહીથી રંગાયેલા કપડાં પણ પોલીસે કબ્જે કર્યા હતા.
દિલ્હી પોલીસ દ્વારા ખૂબ ઓછા સમયમાં સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ થઇ જતા ચાર્જશીટ અંગે મૃતક અંકિત શર્માના મોટા ભાઈ અંકુર શર્માની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેણે દિલ્હી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો ગુનામાં સંડોવાયેલા તમામને ફાંસીની સજા મળે તેવી માગ કરી હતી.