આરસીઈપીમાં તમામ દેશોની નજરો ભારત પર મંડાયેલી હતી. એશિયન દેશો ઇચ્છતા હતા કે ભારત આ ફ્રી ટ્રેડની સમજૂતીમાં શામેલ થઇ જાય. પરંતુ બીજી તરફ ભારત ઇચ્છતું હતું કે આ કરાર પર હસ્તાક્ષર કરતા પહેલા તેની ચિંતાઓનું યોગ્ય નિરાકરણ આવે.
ભારતની મહત્વપૂર્ણ ચિંતાઓ
RCEPમાં ભારતના શામેલ થવા વિરૂદ્ધ ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો. ખેડૂતોનું કહેવુ હતું કે આ સંધિ થાય તો દેશના એક તૃતિયાંશ બજાર પર ન્યૂઝીલેન્ડ, અમેરિકા અને યુરોપીય દેશોનો કબજો થઇ જાય અને ભારતના ખેડૂતોને તેમના ઉત્પાદનનું યોગ્ય મૂલ્ય નહીં મળે.
RCEP થી દેશના કૃષિ ઉપરાંત ભારતનો ડેરી ઉદ્યોગ પણ માઠી રીતે અસરગ્રસ્ત થવાની શક્યતા હતી. વર્તમાન સમયમાં નાના ખેડૂતોની આવકનું એકમાત્ર સાધન દૂધ ઉત્પાદન છે, એવામાં જો સરકાર આરસીઇપી સમજૂતી કરે તો ડેરી ઉદ્યોગ પુરી રીતે બરબાદ થઇ જાત અને 80 ટકા ખેડૂતને તેની માઠી અસર થાત. નિષ્ણાંતોના મતે આરસીઇપીને લીધે ન્યૂઝીલેન્ડમાં ઉપલબ્ધ સસ્તી દૂધની બનાવટોથી ભારતીય ડેરી ઉત્પાદનોની માંગમાં ઘટાડો થાત.
તે જ રીતે, મસાલા અને રબર ઉદ્યોગ માટે જાણીતા કેરળને મલેશિયા અને વિયેતનામથી સસ્તી આયાતને કારણે ભારે અસર થાત.
તેલીબિયાં અને તેના ઉત્પાદનો પર આરસીઇપી ડીલની નોંધપાત્ર અસર પડવાનું પણ મનાઇ રહ્યું હતું. ભારતે 2017-18માં 46,000 કરોડ રૂપિયાની પામ ઓઇલની આયાત કરી છે.
આવી અનેક ચિંતાઓને માન્યતા આપતા સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં આરસીઈપી પર હજી પણ કેટલાક વણઉકેલાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ બાકી છે. તેથી હાલમાં RCEP ના મુક્ત વેપાર કરારમાં ભારત શામેલ થશે નહી.
આરસીઇપી એ વિશ્વના સૌથી મોટા મુક્ત વેપાર કરાર તરીકે 16 દેશોનું જૂથ છે. જેમાં દસ એશિયાન દેશોનો સમાવેશ થાય છે. આરસીઇપીમાં બ્રુનેઇ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ, વિયેટનામ, ભારત, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે.