પુના: દગડુશેઠ ગણપતિ જૂના સમયના પ્રખ્યાત કંદોઇ હતા. તેઓ પુનાના બુધવાર પેઠના દત્તા મંદિરમાં રહેતા હતા. તે સમયે તેમને ભગવાન ગણેશની માટી અને આરસની મૂર્તિ મળી હતી. જેની સ્વતંત્રતા સેનાની લોકમાન્ય તિળક ખૂબ ભક્તિ કરતા હતાં. હાલ આ મૂર્તિ શુક્રવાર પેઠના મારૂતિ મંદિરમાં રાખવામાં આવી છે. જેની નિયમિત પૂજા કરવામાં આવે છે.
વર્ષ 1894માં સ્વતંત્રતા સેનાની અને પ્રખર દેશભક્ત લોકમાન્ય તિળક દ્વારા જાહેરમાં ગણેશોત્સવ ઉજવવાની શરૂઆત થઇ હતી. વર્ષ 1896માં શ્રીમંત દગડુશેઠ હલવાઇ ગણપતિની અન્ય એક મૂર્તિ બની અને ગણેશોત્સવની સામૂહિક ઉજવણીની શરૂઆત થઇ. થોડા સમય બાદ શ્રીમંત દગડુશેઠ હલવાઇ અવસાન પામ્યા, પરંતુ આ વિસ્તારના નાગરિકો દ્વારા ઉજવણીની પ્રથા ચાલુ રાખવામાં આવી. તે વખતે આ 'બહુલી' ગણપતિ સુવર્ણયુગ તરૂણ મંડળ દ્વારા આયોજિત થતા હતાં. વર્ષ 1967 સુધી આ જ મૂર્તિ પૂજાતી રહી અને ઉજવણી શરૂ થયાને 75 વર્ષ પૂર્ણ થતા સુવર્ણયુગ તરૂણ મંડળના પ્રતાપ ગોડસે દ્વારા નવી મૂર્તિનું નિર્માણ થયું હતું. જે હજુ સુધી પૂજાય છે.
પુનાના શ્રીમંત દગડુશેઠ હલવાઇના ગણપતિ સમગ્ર દેશમાં ખૂબ પ્રખ્યાત છે. આ સિવાય પણ પુનામાં બીજા 5 પ્રખ્યાત ગણપતિ છે, પરંતુ આ ગણપતિનો ભારતની આઝાદી પહેલાનો ઇતિહાસ હોવાને કારણે તે અલગ જ તરી આવે છે. અનેરા ઉત્સાહ અને ઉમંગ સાથે પુનાના દગડુશેઠ ગણપતિમાં ગણેશોત્સવની ઉજવણી થાય છે. અહીં દર વર્ષે સુંદર ફૂલો વડે સુશોભન કરવામાં આવે છે. જેથી આકર્ષક દ્રશ્યો સર્જાય છે. ભારતના અલગ અલગ મંદિરોની પ્રતિકૃતિ ઉભી કરી તેને સુંદર રોશની વડે સજાવવામાં આવે છે.
શ્રીમંત દગડુશેઠ હલવાઇના ગણપતિના દર્શન કરવા માટે અનેક નેતાઓ, ફિલ્મ કલાકારો અને પ્રખ્યાત હસ્તીઓ આવે છે. દગડુશેઠ હલવાઇના ગણપતિમાં પુણેરી સંસ્કૃતિના ભવ્ય વારસાના દર્શન થાય છે. 10 દિવસ સુધી શાહી રીતે ગણેશોત્સવનું આયોજન થાય છે. જેમાં પુષ્પ સજાવટ, સુંદર રોશની અને પારંપરિક સંગીત વાદ્યોનો ઉપયોગ થાય છે, પરંતુ આ વખતે ભવ્ય ઉજવણી માટે જાણીતા આ ગણપતિને કોરોના વાઇરસનું ગ્રહણ લાગતા ગણેશોત્સવનું આયોજન સાદી રીતે કરવામાં આવી રહી છે. ગણેશભક્તોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ આ વખતે વિસર્જન પણ કરવામાં નહીં આવે, ગણપતિની મૂર્તિનું મંદિરમાં જ સ્થાપન કરવામાં આવશે.