મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર અને મ્યુનિસિપલ અધિકારીઓને આદેશ આપ્યો છે કે, કોવિડ-19ના લોકડાઉન વચ્ચે રાજ્યભરના આદિવાસી સમુદાયોને ખાદ્ય અને પાયાની સુવિધાઓ પહોંચી જોઈએ.
મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયાધીશ અહેમદ સૈયદની ડિવિઝન બેંચે વિવેક પંડિતની અરજી પર સુનાવણી કરી રહી હતી. જેમાં લોકડાઉન દરમિયાન રાજ્યના આદિવાસી લોકોની સમસ્યા ઉલ્લેખનો કરવામાં આવ્યો હતો.
અરજદારે કોર્ટને વિનંતી કરી હતી કે, રાજ્યના પાલઘર, રાયગઢ, નાસિક, ધૂળે, નંદુરબાર, જલગાંવ, ચંદ્રપુર, ગડચિરોલી, ભંડારા, ગોંડિયા, નાગપુર, યાવતમાલ અને અમરાવતી જિલ્લાના આદિવાસીઓને જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડવા માટે સરકાર અને અધિકારીઓને નિર્દેશ આપવામાં આવે.
એડિશનલ સરકારી વકીલ વી.બી. સમન્તાએ શુક્રવારે કોર્ટને જણાવ્યું હતું કે, રાજ્યભરમાં આદિવાસી સમુદાયો સુધી પહોંચવા માટે સરકારે અનેક પગલા લીધા છે. સરકાર દ્વારા 27 એપ્રિલના રોજ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ્સને જરૂરીયાતમંદ પરિવારો, પરપ્રાંતીય મજૂરો અને અન્ય લોકોને જાહેર વિતરણ પ્રણાલીનો લાભ આપવાની સૂચના અપાઈ છે.
વધુમાં તેમણે કહ્યું કે, હાલ આદિવાસીઓને રેશનકાર્ડ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ અંગે અરજદારના વકીલ વૈભવ ભુરેએ દલીલ કરી હતી કે, આ કામગીરીમાં વિલંબ આવી રહ્યો છે, કારણ કે અધિકારીઓ ઘણા દસ્તાવેજો માંગી રહ્યાં છે. જે આદિવાસી લોકો આપી શકે તેમ નથી. સરકારને વિનંતી છે કે હાલમાં રેશનકાર્ડ આપવાની પ્રક્રિયા બંધ કરવામાં આવે અને આ સમુદાયને પહેલા અનાજ અને અન્ય વસ્તુઓ આપવામાં આવે.
આ અરજીનો નિકાલ કરતાં કોર્ટે કહ્યું કે, અમને આશા છે કે, સરકાર આદિવાસી સમુદાય સુધી રાહત પહોંચવામાં કોઈ કસર નહીં છોડે અને આ મુશ્કેલ સમયમાં દરેક વ્યક્તિ સુધી અનાજ પૂરૂ પાડવામાં આવે.