કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિ (NCMC) ની બેઠકમાં વાવાઝોડાથી પ્રભાવિત પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ચલાવવામાં આવતા રાહત કાર્યોનુ નિરીક્ષણ કર્યુ.
એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પશ્ચિમ બંગાળમાં સાત લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે, લગભગ એક લાખ મકાનો અને ઉભા પાકને નુકસાન થયાના સમાચાર છે.
વીજ પુરવઠો શરુ કરવામાં આવ્યો છે. જ્યારે ટેલિકોમ સેવાઓ ટૂંક સમયમાં શરુ થવાની અપેક્ષા છે.
નિવેદનમાં કહ્યુ કે, ઓડિશાથી કોઈ જાનહાનિ થવાના સમાચાર નથી પરંતુ, બે લાખ હેકટરથી વધુ વિસ્તારમાં ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. કેટલાક વિસ્તારોને બાદ કરતાં, વીજળી અને પાણી પુરવઠોને શરુ કરવામાં આવ્યો છે. અન્ય વિસ્તારોમાં પણ આ સેવાઓ મંગળવાર સુધીમાં શરુ થવાની સંભાવના છે.
ખાદ્યપદાર્થો, પીવાનું પાણી, આરોગ્ય સેવાઓ તેમજ ટેલી કમ્યુનિકેશન્સ અને વીજળી સેવાઓના સંદર્ભમાં NCMCએ તમામ કેન્દ્રીય સહાયની ખાતરી આપી છે.
પશ્ચિમ બંગાળ અને ઓડિશાના વરિષ્ઠ અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સ દ્વારા આ બેઠકમાં ભાગ લીધો હતો.