કેટલાક દર્દીઓમાં એન્સેફાલોપથી, એન્સેફાલીટીસ, રક્ત વાહીનીઓ અને નસોમાં રક્ત ગંઠાઈ જવા જેવા લક્ષણો જોવા મળ્યા છે. એવા દર્દીઓ કે જેમની ફેમેલી હીસ્ટ્રીમાં સ્ટ્રોક કે બ્લડ પ્રેશર ન હોય અને જેમને ડાયાબીટીસ જેવી કોઈ તકલીફ ન હોય તેવા દર્દીઓએ પણ સ્ટ્રોકનો સામનો કર્યો હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા. Covid-19ની દર્દીના મગજ ઉપર થતી અસર વીશે વધુ જાણવા માટે અમે એપોલો હોસ્પીટલ્સ અને મેન્ગા ન્યુરોલોજી, હૈદરાબાદ ખાતે કન્સલ્ટન્ટ ન્યુરોલોજીસ્ટ તરીકે ફરજ બજાવતા ડૉ. શ્રીકાંત વેમુલા સાથે વાતચીત કરી.
Covid-19ની મગજ પર થતી અસરો
અન્ય ન્યુરોલોજીકલ અભિવ્યક્તિ ભલે પ્રસીદ્ધ ન રહી હોય પરંતુ તેમાંની માનસીક અભિવ્યક્તિ ખુબ પ્રચલીત રહી છે. તેનું કારણ દર્દીની વર્તમાન સ્થીતિ હોય છે, જેમ કે અનીશ્ચીતતા અને આર્થિક નુકસાન જેવા સંજોગો છે. ડૉ. શ્રીકાંતના જણાવ્યા પ્રમાણે, “વ્યક્તિને આવી કોઈ ગંભીર સમસ્યા ન હોવા છતા તેને આધાશીશી જેવો માથાનો દુખાવો થઈ શકે છે. જો દર્દીને પહેલેથી જ માયગ્રેન કે માથાના દુખાવાની બીમારી હોય તો તે દર્દીની સ્થીતિ વધુ ખરાબ થઈ શકે છે. આધાશીશી જેવી બીમારી દરમીયાન દર્દીને અસહ્ય અને તીવ્ર માથાનો દુખાવો, તેમજ પ્રકાશ અને અવાજથી પણ મુશ્કેલી અને ઉબકા જેવી સમસ્યા થઈ શકે છે. આ જ પ્રકારની સમસ્યા Covid-19 બાદ પણ દર્દીને થઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યુ કે તેમણે કોરોનાના દર્દીઓમાં અને ખાસ કરીને બાળકોમાં કેટલીક અસામાન્ય બાબતો નોંધી હતી. તેમણે જણાવ્યુ કે આ દર્દીઓમાં તેમણે ખુબ જ તીક્ષ્ણ, ટૂંકા ગાળાનો અને અસહ્ય માથાનો દુખાવો નોંધ્યો હતો. તેઓ કહે છે, “એક જ સમયે મારી પાસે દાખલ કરવામાં આવેલા 13 અને 14 વર્ષની વયના બે બાળકોમાં મેં આ નોંધ્યુ હતુ. તેઓને અચાનક માથામાં તીવ્ર અને અસહ્ય દુખાવો થયો અને ત્યાર બાદ તે દુર થઈ ગયો. આ એક એવા અસામાન્ય લક્ષણો હતા જે મેં આ પહેલા ક્યારેય જોયા ન હતા.” કેટલાક દર્દીઓમાં મુડ ખરાબ થવો, ચિંતા, અસ્વસ્થતા, તનાવ, અને ગુસ્સો તેમજ ચીડીયાપણા જેવા લક્ષણો જોવા મળ્યા હતા. તેમણે વધુમાં એ પણ નોંધ્યુ હતુ કે જ્યારે તેમણે આ દર્દીઓની હતાશાની સારવાર કરી હતી ત્યારે તેમનો માથાનો દુખાવો પણ દુર થયો હતો. જે દર્દીઓને પહેલેથી જ આ માનસીક બીમારીઓ હતી તેઓમાં Covid-19 બાદ આ બીમારી વધુ ગંભીર બની હતી.
કેટલાક નિષ્ણાંતો જણાવે છે કે શરીરમાં કેટલીક ઓટોઇમ્યુન સીસ્ટમ હોય છે એટલે કે શરીર પોતાની જાતે જ કેટલીક સમસ્યાઓ સામે પ્રતિક્રીયા આપે છે. અહીં, કોઈ રીતે મગજ અથવા તેના પરીઘમાં રહેલા ચેતા શરીરના અન્ય ભાગમાં રહેલા ચેતા કરતા વધુ સંવેદનશીલ હોય છે અને તેના કારણે મોટાભાગના લોકો કોવીડ પછીના સમયગાળામાં શરીરના અન્ય કોઈ ભાગ કરતા મગજ અને ચેતાને લગતી સમસ્યાઓનો વધુ સામનો કરે છે.
Covid-19ને કારણે કેટલાક ડીમાયલનેટીંગ ફેરફાર પણ થઈ શકે છે. માયલન એ મગજ અને નર્વસ સીસ્ટમમાં રહેલા અન્ય ભાગોમાં આવેલા ચેતા પર આવેલું એક આવરણ છે. કેટલાક કિસ્સાઓમાં આ આવરણ નાશ પામે છે અને પરીણામે ચેતાની કાર્ય કરવાની શક્તિમાં ઘટાડો થાય છે અથવા આ શક્તિ નાશ પામે છે. તેથી જે ભાગોમાં આ ફેરફાર આવે છે તે ભાગો ઓછા કાર્યક્ષમ બને છે. આ પ્રકારના ડીમાયલનેટીંગ ફેરફાર Covid-19 બાદ થવાની પણ સંભાવના હોય છે. Covid-19 દરમીયાન મલ્ટીપલ સ્ક્લેરોસીસ જેવા ફેરફાર થવાની સંભાવના પણ રહેલી છે પરંતુ કોરોનાના દર્દીઓમાં તે એટલું સામાન્ય નથી.
આ ઉપરાંત પેરીફેરીયલ નર્વસ સીસ્ટમ પણ સામેલ છે. પેરીફેરીયલ નર્વ્સ મગજ અને કરોડરજ્જૂને આખા શરીર સાથે જોડે છે જે સંવેદનાઓ, હલન ચલન અને શરીરના અન્ય ભાગોના સંકલનનું નિયમન કરવા માટે જવાબદાર છે. કેટલાક લોકોમાં એવા લક્ષણો પણ જોવા મળ્યા છે જેમાં દર્દીનો પગ અચાનક નબળો બને અને યોગ્ય રીતે કામ ન કરી શકે. તેવામાં તેમણે પોલાનો પણ અમુક અંતરે ઉંચો કરવાની ફરજ પડે અને પછી તેઓ ચાલી શકે. આવા કિસ્સામાં કેટલાક લોકોની સારવાર સ્ટીરોઇડ વડે કરવામાં આવે છે અને તેઓ પુન:સ્વસ્થતા પ્રાપ્ત કરે છે. કેટલાક લોકોને સ્નાયુના દુખાવા અથવા સ્નાયુ ખેંચાવાની સમસ્યા પણ થઈ શકે છે.
ભૂતકાળમાં થયેલી મહામારીઓ સાથે સરખામણી
ભૂતકાળમાં થયેલી કેટલીક મહામારી અને રોગચાળા દરમીયાન પણ માનસીક બીમારીઓના લક્ષણોનું અસ્તિત્વ જોવા મળ્યું હતુ, જો કે કેટલીક અસરોને સાબીત કરવી સરળ ન હતી. 20મી સદીમાં થયેલા રોગચાળામાં વર્ષ 1916 થી 1930 વચ્ચેના સમયગાળાને એન્સેફાલીટીસ લેથર્જીકા કહેવામાં આવતો હતો જ્યારે લોકોની નર્વસ સીસ્ટમને અસર પહોંચી હતી અને તેઓ પાર્કીસન્સથી પીડાતા હતા. આ પહેલા થયેલા ફાટી નીકડેલા ઇન્ફ્લુએન્ઝા દરમીયાન પણ કેટલીક એન્સેફાલીટીઝ અને ઉંઘની બીમારીઓની સમસ્યા જોવા મળી હતી. જ્યારે Covid-19 અને મગજની કડી સબંધીત સંશોધન હજુ ચાલુ છે તેવા સમયગાળામાં ડૉક્ટરો તેમના દર્દીઓમાં દેખાતી લાક્ષણીકતાઓ અનુસાર તેમની સારવાર કરી રહ્યા છે. એક તરફ જ્યાં મોટા ભાગના દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા છે ત્યારે કેટલાક કિસ્સાઓમાં સ્થીતિ બગડતી પણ જોવા મળી હતી. તેથી જ લોકો સ્વસ્થ થઈને ફરી એક વાર સામાન્ય જીવન જીવી રહ્યા હોવા છતા તેમણે એ ન ભૂલવુ જોઈએ કે દરેક વ્યક્તિએ અત્યંત કાળજી અને સાવધાની રાખવી એટલી જ જરૂરી છે. જે લોકો કોરોના વાયરસથી અસરગ્રસ્ત થયા નથી તેમણે સાવધ રહેવાની જરૂર છે અને જે લોકો આ વાયરસથી અસરગ્રસ્ત થઈ ચુક્યા છે અને તેમાંથી સ્વસ્થ થયા છે તેમણે વધુ સાવધ રહેવાની જરૂર છે. કોરોના વાયરસની સારવાર બાદ સ્વસ્થ થયા બાદ પણ જો તમને અસહ્ય પીડા, માથામાં દુખાવો, ઉબકા કે અત્યંત થાક જેવા લક્ષણો અનુભવાય તો ડૉક્ટરનો સંપર્ક જરૂર કરો.