રાજસ્થાન: જયપુરમાં યોજાયેલા પૂર્વ વડાપ્રધાન નરસિંહારાવના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા મહેશ જોશીએ કેન્દ્રની ભાજપ સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, વર્ષ 1991માં દેશની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે સોનુ ગીરવે મૂકવું પડ્યું હતું. આ પરિસ્થિતિમાં દેશની અર્થવ્યવસ્થાની ગાડી પાટે ચડાવવા પૂર્વ વડાપ્રધાન નરસિંહારાવને નાણાપ્રધાન બનાવવામાં આવ્યા હતા.
નરસિંહારાવ તે સમયે જે આર્થિક નીતિઓ બનાવી હતી તેના પર જ આજે આપણો દેશ ચાલી રહ્યો છે પરંતુ અત્યારે તેની સાથે જે પ્રકારે ચેડાં કરવામાં આવી રહ્યા છે, તેના કારણે અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચી રહ્યું છે.
"આજે જે નેતાઓ દેશ ચલાવી રહ્યા છે તેમને ઈશ્વર સદબુદ્ધિ આપે જેથી અર્થતંત્રમાં સુધાર આવી શકે." તેમણે જણાવ્યું.
આ કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા રાજેશ ચૌધરી, અનિલ કુમાવત, સુનીલ શર્મા, મહેન્દ્ર ખેડી, અશ્ક અલી ટાંક, PCC મહાસચિવ પુખરાજ પરાશર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
પેટ્રોલ ડીઝલના વધતા ભાવ પર પણ ટિપ્પણી કરતા તેમણે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ ડીઝલની માગ ઘટી રહી છે ત્યારે સરકાર દ્વારા દેશમાં તેના ભાવ વધારવામાં આવ્યા છે જેથી પ્રજા પર આર્થિક બોજો વધી રહ્યો છે. સરકારે યોગ્ય રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ નિર્ધારિત કરવા જોઈએ.