ઉત્તર પ્રદેશ: ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ વિધાન પરિષદની 11 બેઠકો પરની ચૂંટણી મોકૂફ રાખી છે. લોકડાઉનને ધ્યાનમાં રાખીને આ ચૂંટણી મે મહિનામાં યોજાશે. એક વરિષ્ઠ અધિકારીએ શનિવારે આ વિશે જાણકારી આપી હતી.
ચૂંટણી પંચે શુક્રવારે જાહેર કરેલા આદેશમાં ચૂંટણી યોજવાની તારીખ આપી નથી. ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી અજયકુમાર શુક્લાએ એક નિવેદનમાં કહ્યું કે, સ્નાતક મતદાર ક્ષેત્રના 5 MLC અને શિક્ષકોના મત વિસ્તારના 6 MLCનો કાર્યકાળ 6 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. જેથી આ બેઠકો પર ચૂંટણીઓ યોજાવી જોઈએ. આ બેઠકો પર ચૂંટણી યોજવા માટે ઓછામાં ઓછા ચાર અઠવાડિયાનો સમય જરૂરી છે.
જો કે, ત્રણ સપ્તાહના દેશવ્યાપી લોકડાઉન હોવાને કારણે ભારતીય ચૂંટણી પંચે આદેશ આપ્યો છે કે, ઉત્તર પ્રદેશ વિધાન પરિષદની 11 બેઠકોની ચૂંટણીની પ્રક્રિયા પરિસ્થિતિની સમિક્ષા કર્યા પછીની તારીખની જાહેર કરવામાં આવશે. સ્નાતક મત વિસ્તાર એવો છે કે, જેમાં કોઈપણ માન્યતા પ્રાપ્ત ભારતીય યુનિવર્સિટીમાંથી સ્નાતક અથવા સમકક્ષ લાયકાત ધરાવતા લોકો જ મતદાન આપી શકે છે.
શિક્ષકોના મતદાર ક્ષેત્રમાં ઓછામાં ઓછી માધ્યમિક શાળા અથવા તેથી વધુના ફક્ત સંપૂર્ણ સમયના શિક્ષક જ મતદાન કરવા પાત્ર છે. ઉત્તર પ્રદેશ વિધાન પરિષદની 100 બેઠકો છે. હાલમાં તેની સંખ્યા 99 છે, જ્યારે એક બેઠક ખાલી છે. ઉલ્ખનીય છે કે, 25 માર્ચે અમલમાં આવેલા લોકડાઉનને દેશમાં કોરોના વાઈરસના પ્રસારને નિયંત્રિત કરવા કેન્દ્ર દ્વારા લાદવામાં આવ્યો હતો.