નવી દિલ્હીઃ જૂની દિલ્હીના ઝાકીર હુસેન દિલ્હી કોલેજની બહાર લાગેલા વિવાદિત હોર્ડિંગ્સ ચર્ચાનો વિષય બન્યું હતું. સ્થાનિક કોર્પોરેશન કાઉન્સિલર આલે મોહમ્મદ ઇકબાલે ઉત્તર એમસીડીના મેયર જય પ્રકાશને ફરિયાદ કરી હતી. ત્યારબાદ આ હોર્ડિંગ્સ હટાવવામાં આવ્યું હતું. આલે મોહમ્મદ ઈકબાલે વીડિયો શેર કરીને કહ્યું હતું કે, અહીં એક સંસ્થા દ્વારા હોર્ડિંગ મૂકવામાં આવ્યું હતું, જેના પર બકરીના ચિત્ર સાથે લખેલું હતું કે, હું એક પ્રાણી છું, માંસ નથી, મારા પ્રત્યેનું વલણ બદલો, શાકાહારી બનો.
આલે મોહમ્મદ ઇકબાલે કહ્યું કે, મુસ્લિમોનો તહેવાર નજીક છે, આવા સમયે કેટલાક લોકો આવા હોર્ડિંગ્સ લગાવીને કોમવાદ ફેલાવવા માગે છે. જેની નોંધ લેતાં મેં તરત જ એમસીડીના મેયર જય પ્રકાશને મળ્યો હતો અને તેમણે તેને હટાવવાની ખાતરી આપી હતી. આ હોર્ડિંગ્સ ફક્ત 3 કલાકમાં દૂર કરવામાં આવ્યું હતું.
આલે મોહમ્મદે કહ્યું હતું કે, આ વાત ફક્ત હોર્ડિંગ હટાવવાની નથી, લોકોમાં જે ઝેર ફેલાયું છે તે નાબૂદ કરવાનું છે. હું કહું છું કે, સંપૂર્ણ ભારતમાં માંસ પર પ્રતિબંધ મૂકી દો. રાષ્ટ્રપતિ ભવન અને સંસદથી એવો કાયદો બનાવવામાં આવે કે માંસ પર પ્રતિબંધ લાગી જાય, પરંતુ એક વિશેષ વર્ગને ઉશ્કેરવા માટે હોર્ડિંગ લગાવવું યોગ્ય નથી.