નવી દિલ્હીઃ દેશના આઠ રાજ્યોની રાજ્યસભા સીટો માટે આજે (શુક્રવારે) મતદાન થશે. ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હરીફાઇ થવાની સંભાવના છે. મહત્વનું છે કે, કોરોના મહામારીને કારણે 19 સીટો પર ચૂંટણી સ્થગિત કરવામાં આવી હતી. બાદમાં ચૂંટણી પંચે મેઘાલય, મિઝોરમ અને મણીપુરની એક-એક સીટ સહિત કુલ 19 બેઠકો માટે ચૂંટણી કરવાની જાહેરાત કરી હતી.
આંધ્ર પ્રદેશ અને ગુજરાતની ચાર-ચાર બેઠક, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની 3-3, જ્યારે ઝારખંડની બે રાજ્યસભા બેઠકો પર ચૂંટણી કરવામાં આવશે.
આ વચ્ચે રાજ્યસભા ચૂંટણીની વોટિંગ પહેલા પૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહ સીહોરના પ્રાચીન ગણેશ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, મંદિર આસ્થાનો વિષય હોય છે. તેને રાજનીતિ સાથે જોડવો ન જોઇએ. કોંગ્રેસે દિગ્વિજય સિંહને રાજ્યસભા ઉમેદવાર બનાવ્યા છે જે માટે આજે વોટિંગ થશે.
ભારત-ચીન વિવાદ પર દિગ્વિજય સિંહે વડા પ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે, આપણી વિદેશ નીતિ નિષ્ફળ રહી છે. મોદી ચાર વખત મુખ્ય પ્રધાનના રુપે અને 5 વાર વડા પ્રધાનના રુપે ચીન ગયા હતા. પરંતુ 55 વર્ષ બાદ આ રીતની ઘટના થઇ છે કે, આપણા 20 સૈનિકો શહીદ થયા છે. આ વાત પર ગંભીરતાથી વિચાર કરવો જોઇએ આપણી વિદેશ નીતિ સાચી છે કે નહીં.
દિગ્વિજય સિંહે કહ્યું કે, આપણો પાકિસ્તાન અને અફ્ઘાનિસ્તાનથી વિવાદ છે. ત્યાં સુધી કે, નેપાળે કાયદો પાસ કર્યો છે. ભારતની જમીનને નક્શામાં સામેલ કર્યો છે અને કાયદો બનાવ્યો છે. તેમ છતાં વડા પ્રધાન ચૂપ રહ્યા, બાંગ્લાદેશની સાથે પણ આપણા સંબંધ સારા નથી. માલદીપ, શ્રીલંકા સાથે પણ આપણા સંબંધ સારા નથી અને હવે ચીન સાથે પણ ખરાબ થયા છે. જ્યારે આપણા પાડોશી સાથે જ આપણા સંબંધ સારા નથી, તો અટલ કહેતા હતા કે, આપણે પાડોશીઓ સાથે સંબંધ સારા રાખવા જોઇએ.