કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ભાજપ દ્વારા સાવરકરને ભારત રત્ન અપાવવાની રજૂઆત કરતા ભાજપને આડે હાથ લીધા છે.
દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારને એ ન ભૂલવું જોઈએ કે, મહાત્મા ગાંધીની હત્યા પાછળ સાવરકરનું નામ ષડયંત્રકર્તા તરીકે નોંધાયેલું હતું. પત્રકાર પરિષદમાં દિગ્વિજય સિંહે આ અંગે ભાજપ પર પ્રહારો કર્યા હતા.
વધુમાં સિંહે જણાવ્યું કે, સાવરકરના જીવનમાં બે બાજુ હતી. પહેલુ સ્વતંત્રતા સંગ્રામમાં તેમની ભાગીદારી અને બીજુ અંગ્રેજો પાસેથી માફી માગી પાછા આવ્યા. ભાજપને આ ન ભૂલવુ જોઈએ કે, તેમનું નામ મહાત્મા ગાંધીની હત્યા કરવાના ષડયંત્રકર્તા તરીકે નોંધાયેલું હતું.
આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં ભારત રત્ન એવોર્ડ પર એક પાનું છે. આ પાનામાં ભાજપે મહાત્મા જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે અને વીર સાવરકરના નામે દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવાનો પ્રસ્તાવ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ પણ મહારાષ્ટ્રના અકોલામાં ચૂંટણી રેલી દરમિયાન સાવરકરના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, તેમના વિચાર અને મૂલ્યોને કારણે જ રાષ્ટ્ર નિર્માણના મૂળમાં રાષ્ટ્રવાદ છે.