શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 રદ કરવાના અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવાના કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણય બાદ કાશ્મીરમાં લાગુ કરી દેવાયેલા અભૂતપૂર્વ લોકડાઉને ત્યાં આર્થિક અને વિકાસ સંબંધિત સંકટ ઊભું કર્યું છે.
ઉપરોક્ત કલમ રદ થઇ, તે અગાઉ જમ્મુ અને કાશ્મીરના વિકાસ સૂચકાંકો – આયુષ્યથી લઇને બાળ મૃત્યુ દર, સાક્ષરતા અને ગરીબીથી લઇને આર્થિક વિકાસ – વગેરે રાષ્ટ્રીય સરેરાશ કરતાં તેમજ દેશના અન્ય ટોચનાં રાજ્યો કરતાં બહેતર હતા.
રાજ્યમાં ખાનગી રોકાણના પ્રવાહનો અભાવ એ એકમાત્ર ચિંતાનો વિષય હતો, જે વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે, કલમ 370ના અસ્તિત્વના કારણે નહીં, બલ્કે દાયકાઓ જૂની અનિશ્ચિત રાજકીય અને સુરક્ષાલક્ષી સ્થિતિને કારણે ઉદ્ભવ્યો હતો.
ભાજપ સરકારના આ એકતરફી નિર્ણય સામે જમ્મુ અને કાશ્મીરના રાજકીય પક્ષો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અને એક વર્ષ પછી, તેઓ કલમ 370 રદ કરવાના બચાવમાં ભાજપે આગળ ધરેલા વિકાસના કારણ અંગે પ્રશ્ન પૂછી રહ્યા છે.
આજે પણ જમ્મુ અને કાશ્મીરનો વિશેષ રાજ્ય તરીકેનો અને 5 ઓગસ્ટ પહેલાંનો દરજ્જો પુનઃ પ્રસ્થાપિત કરવાની માગણી કરતી પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ જણાવ્યું હતું કે, કલમ 370 નાબૂદ થઇ ગયા પછી જમ્મુ અને કાશ્મીરે વિકાસ તો નથી જોયો, પણ "ભાજપ અને આરએસએસનો એજન્ડા પૂરો થતો જરૂર જોયો છે."
"કલમ 370 નાબૂદ થઇ, ત્યાર પછી જમ્મુ અને કાશ્મીર વિકાસનું સાક્ષી બનશે, તે મુજબના ભાજપના દાવા કરતાં ઊલટું, અમે જોયું કે, કેવળ ભાજપ અને આરએસએસનો એજન્ડા જ પૂર્ણ થયો છે. પશ્ચિમ પાકિસ્થાનના શરણાર્થીઓના પુનર્વસનનો મુદ્દો હોય કે, વતનનું પ્રમાણપત્ર જારી કરવાનો મુદ્દો, કોઇ ક્ષેત્રે નક્કર કામગીરી થઇ નથી. બેરોજગારી વધી છે, અર્થતંત્ર નબળું પડી ગયું છે. જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ માત્ર વણસી જ છે, તે સિવાય કશું થયું નથી,” તેમ શ્રીનગરમાં પીડીપીના નેતા રઉફ દારે ઇટીવી ભારતને જણાવ્યું હતું.
આર્થિક અને વિકાસ ક્ષેત્રના વિશ્લેષક એજાઝ અયૂબે જણાવ્યું હતું કે, પાંચમી ઓગસ્ટ બાદ લાગુ કરી દેવામાં આવેલા શટડાઉનને પગલે જમ્મુ અને કાશ્મીરનો વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓ રૂંધાઇ ગયાં છે, અને કોવિડ-19 લોકડાઉનના કારણે સ્થિતિ વધુ કથળી હતી.
તેમણે જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરે 40-45 હજાર કરોડનું નુકસાન વેઠવું પડ્યું હતું, જેના કારણે સ્થાનિકોએ તેમની નોકરી ગુમાવી દેવી પડી હતી.
"જમ્મુ અને કાશ્મીરનું અર્થતંત્ર પડી ભાંગ્યું છે. જમ્મુ-કાશ્મીરનું કુલ ઘરેલૂ ઉત્પાદન (જીડીપી) 20 છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી અનુસાર બેરોજગારીનો દર 22 ટકા કરતાં પણ વધુ ઊંચો ગયો છે. કોઇ રોકાણ આવ્યું નથી. ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ સુદ્ધાં યોજી શકાઇ નથી," તેમ તેમણે ઇટીવી ભારતને જણાવ્યું હતું.
"રોકાણ માટે રાજકીય સ્થિરતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોજિસ્ટિક્સ હોવાં જરૂરી છે. જો રાજકીય સ્થિરતા નહીં પ્રવર્તતી હોય, તો કલમ 370ને રદ કરી દેવાથી આર્થિક સ્થિરતા પણ નહીં આવે કે રોકાણ પણ નહીં આવે," તેમ તેમણે ઉમેર્યું હતું.