નવી દિલ્હીઃ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે બાબા રામદેવ વિરુદ્ધ FIR દાખલ કરવાની માગ કરતી અરજી ફગાવી દીધી છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જયપુરમાં પહેલેથી જ બાબા રામદેવ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે આથી આ અરજીનો કોઈ અર્થ રહેતો નથી.
રાજસ્થાનના જયપુરમાં આવેલા જ્યોતિનગર પોલીસ સ્ટેશનમાં એ તમામ વિગતો જણાવવામાં આવી છે જે વકીલ તુષાર આનંદની અરજીમાં છે. ઉપરાંત, કોરોનીલ દવાને લઇને બાબા રામદેવે જે દાવા કર્યા હતા તે ઉત્તરાખંડના હરિદ્વારમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કર્યા હતા.જે દિલ્હીની બહાર આવેલું હોવાથી દિલ્હીની કોર્ટનો તેના પર કાર્યવાહી કરવાનો અધિકાર રહેતો નથી.
બાબા રામદેવે 23 જૂનના રોજ કોરોનીલ કીટ લૉન્ચ કરી હતી. તે સમયે બાબા રામદેવ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આ કીટ દ્વારા કોરોનાથી સ્વસ્થ થઇ જવાશે. જેથી લોકોમાં કોરોના બીમારીમાં કોરોનીલ વડે સ્વસ્થ થવાનો ભ્રમ પેદા થયો હતો. ત્યારબાદ કેન્દ્રીય આયુષ મંત્રાલયે જ્યાં સુધી દવા પર સંશોધન પુરુ ન થાય ત્યાં સુધી તેની જાહેરાત કરવા પર પ્રતિબંધ મુકયો હતો.
ત્યારબાદ બાબા રામદેવ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે હવેથી આ દવાને કોરોનાના ઉપચારના રૂપમાં નહિ પરંતુ રોગ પ્રતિકારક શક્તિ વધારવાની દવા તરીકે વેચવામાં આવશે.