નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે એર ઈન્ડિયામાં નોકરીમાંથી કાઢી નાખવામાં આવેલા પાયલટોની અરજીની સુનાવણી કરતાં સમન્સ પાઠવ્યું છે. વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી બાદ ન્યાયાધીશ જ્યોતિસિંહની ખંડપીઠે એર ઈન્ડિયાને જવાબ ફાઇલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
ઓગસ્ટ માસમાં પાયલટ્સને નોકરીમાંથી કાઢવામાં આવ્યા હતાં. એર ઇન્ડિયાના ચાર પાયલટ્સે 13 ઓગસ્ટે મેનેજમેન્ટ સામે નોકરીમાંથી કાઢી નાખવાના નિર્ણયને પડકારતી અરજી કરી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, એર ઇન્ડિયાનો આ નિર્ણય ગેરકાયદે અને મનસ્વી છે. આ પાયલટ્સે એર ઇન્ડિયાના નિર્ણયને રદ કરવાની માંગ કરી છે.
એર ઇન્ડિયાએ તાજેતરમાં 40થી વધુ પાયલટ્સને કાઢી મુક્યા છે. આ અરજી એ કેસમાં કરવામાં આવી છે, જેમાં કેટલાક પાયલટ્સે અગાઉ રાજીનામું આપ્યું હતું, પરંતુ બાદમાં રાજીનામું પાછું ખેંચવાની માંગ કરી હતી. પાયલટ્સે કોર્ટમાં દલીલ કરી હતી કે, છ મહિનાની મુદત પૂરી થયા પહેલા જ તેઓએ પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું હતું, પરંતુ એર ઇન્ડિયાએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અમે રાજીનામું પાછું ખેંચી લીધું છે, તેના પર ધ્યાનમાં દેવું જોઈએ અને અમને નોકરી પર પાછા રાખવાનો નિર્દેશ આપવો જોઇએ.