નવી દિલ્હી: લોકડાઉનને કારણે મહેસૂલમાં ખોટ થવાના પગલે દિલ્હી સરકારે રવિવારે કેન્દ્ર સરકાર પાસે 5000 કરોડ રૂપિયાની માગ કરી હતી.
મીડિયા સાથે વાતચીત કરતાં દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, સરકારનો ઓછામાં ઓછો માસિક અંદાજ 3,500 કરોડ છે, જેમાં પગાર અને અન્ય સત્તાવાર ખર્ચનો સમાવેશ કરાયો છે.
વધુમાં સિસોદિયાએ જણાવ્યું હતું કે, "છેલ્લા બે મહિનામાં, દર મહિને વેરાની વસૂલાત 500 કરોડ હતી. જ્યારે રૂપિયા 1,735 કરોડ અન્ય સ્રોતોમાંથી એકત્રિત કરવામાં આવ્યા હતા. જો કે, બે મહિનાથી આપણને 7,000 કરોડની જરૂર છે. જેથી મે કેન્દ્રને રાષ્ટ્રીય રાજધાનીને 5,000 કરોડ આપવાની વિનંતી કરી છે. નાણાની માગ માટે કેન્દ્રીય નાણાં પ્રધાન (નિર્મલા સીતારમણ)ને પત્ર લખ્યો છે. "
નાયબ મુખ્ય પ્રધાને વધુમાં જણાવતા કહ્યું હતુ કે, કેન્દ્રએ અન્ય રાજ્યોને ભંડોળ આપ્યું છે, પરંતુ આપત્તિ વ્યવસ્થાપનના નામે દિલ્હીને કેન્દ્ર તરફથી કોઈ મદદ મળી નથી. "અમારે અમારા શિક્ષકો, ડોકટરો અને અન્ય કર્મચારીઓને પગાર ચૂકવવાની જરૂર છે, જે કોરોના વાઈરસ સામે લડવાનું કામ કરી રહ્યા છે."
લોકડાઉનને કારણે દિલ્હી સરકારના વેરા વસૂલાતમાં લગભગ 85 ટકાનો ઘટાડો થયો છે. 3 મે ના રોજ, એપ્રિલમાં ગત વર્ષની તુલનાએ આશરે 3,200 કરોડની આવકની ખોટ નોંધાઈ હતી,
મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, લોકડાઉનમાં સરકારને તેના કર્મચારીઓને પગાર ચૂકવવો ઘણો મુશ્કેલ બની રહ્યો છે.