નવી દિલ્હીઃ દિલ્હી આરોગ્ય વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, 28 જૂન આજે રવિવાર સુધીમાં દિલ્હીમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા 83,077 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોના વાઇરસના ચેપના 2,889 નવા કેસ નોંધાયા છે. અહીં ચેપગ્રસ્તોની સંખ્યા 83 હજારના આંકડાને પાર કરી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 2,623 પર પહોંચી ગયો છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 65 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે દિલ્હીમાં કોરોના વાઇરસને કારણે મોતને ભેટેલા લોકોની સંખ્યા 2623 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 3306 લોકો સ્વસ્થ થયા છે અને તેમના ઘરે પહોંચ્યા છે. દિલ્હીમાં કુલ 83,077 કોરોના ચેપગ્રસ્ત કેસોમાંથી 27847 સક્રિય કેસ છે, જ્યારે 52607 લોકોને રજા આપવામાં આવી છે. રાજધાની દિલ્હીમાં કોરોના વાઇરસનો રિકવરી રેટ 63.32 ટકા છે, જ્યારે મૃત્યુ દર 15.15 ટકા છે.
દિલ્હી આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, આજે દિલ્હીમાં 20,080 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 49,8416 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. દિલ્હીની અંદર દર 10 લાખ વસ્તી માટે 26,232 પરીક્ષણો કરવામાં આવી રહ્યાં છે. 83 હજારથી વધુ પોઝિટિવ દર્દીઓ સાથે દિલ્હી બીજા ક્રમે છે. 2 હજારથી વધુ લોકોના મોત થયા છે. વસ્તીના હિસાબથી સૌથી વધુ મોત દિલ્હીમાં થયાં છે. રાજધાનીમાં પ્રતિ 10 લાખની વસ્તી પર 129 લોકોના મોત થઈ રહ્યાં છે, જે દેશમાં સૌથી વધારે છે.