બિહારઃ રાજ્યના ભાગલપુર જિલ્લામાં કોરોનાના ડરથી લોકોની સંવેદનશીલતાની ઘટના સામે આવી છે. જ્યાં દવા ખરીદવા ગયેલા વ્યક્તિનું અચાનક મોત નીપજ્યું હતું. જે બાદ ત્યાં હાજર લોકો કોરોનાના ડરથી ત્યાંથી ભાગી ગયા હતા. આ ઘટના દ્વિવેદી રોડ પર સ્થિત આત્મરામ મેડિકલ હોલની છે. વહીવટીતંત્રની બેદરકારીને કારણે મૃતદેહ ઘણા કલાકો સુધી દુકાનની સામે પડ્યો રહ્યો હતો.
શ્વાસ લેવાની તકલીફથી મૃત્યુ
આ ઘટનાને લઇ કહેવામાં આવી રહ્યું છે કે, 50 વર્ષનો એક વ્યક્તિ બુધવારે બપોરે ઇન્હેલર ખરીદવા માટે દવાઓની દુકાનમાં ગયો હતો. લોકોની ભીડ હોવાને કારણે દુકાનદારને ઇન્હેલર દેવામા થોડો સમય લાગ્યો હતો. ત્યારબાદ તે વ્યક્તિ દરવાજા પાસે બેસી ગયો હતો અને શ્વાસ લેવામા તકલીફ થતા તેનું મોત નીપજ્યું હતું. જેનાથી આસપાસના લોકોમાં ખળભળાટ મચી ગયો હતો.
અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા
તે વ્યક્તિ પડતાંની સાથે જ કોરોનાના ડરથી લોકો ત્યાંથી ભાગી ગયા હતા. સ્થાનિક લોકોએ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી. જે બાદ સિટી ડીએસપી રાજવેશ સિંહ અને કોતવાલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ સાથે જ આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
કોરોનાની આશંકાએ લોકોમાં ડર
ઉલ્લેખનીય છે કે, વ્યક્તિના મોતનું કારણ હજી જાણી શકાયું નથી. પરંતુ કોરોનાના ડરને કારણે આસપાસના લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. બિહારમાં કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 20 હજાર 173 કેસ નોંધાયા છે અને 153 લોકોનાં મોત નીપજ્યાં છે.