ન્યૂઝ ડેસ્ક: ગુજરાત વિધાનસભાની ડાંગ બેઠક માટે આજે પેટા ચૂંટણી છે. આ બેઠક ઉપર 2017માં કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવેલા મંગળ ગાવીતે રાજ્યસભાની ચૂંટણી સમયે રાજીનામું આપી દેતાં આ બેઠક ખાલી પડી છે.
વર્ષ 1975માં ડાંગ- વાંસદા બેઠક અસ્તિત્વમાં આવી
વર્ષ 1975મા ડાંગ- વાંસદા બેઠક અસ્તિત્વમાં આવી. ગુજરાત વિધાનસભા અને લોકસભાની બેઠકો અનુસૂચિત જાતિ અને જનજાતિની કુલ વસ્તીની સરેરાશને આધારે નક્કી કરવામાં આવે છે. જેમાં હાલ 2001ની વસ્તીના આધારે 2006માં આરક્ષિત બેઠકો અંગેનું સીમાંકન બહાર પાડવામાં આવ્યું છે. હાલ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો છે અને લોકસભાની 26 બેઠકો છે. જેમાં વિધાનસભાની સામાન્ય બેઠકોની સંખ્યા 142, અનુસૂચિત જાતિની બેઠકો 13 જ્યારે અનુસૂચિત જનજાતિની( આદિવાસી) બેઠકો 27 છે.
ડાંગ જિલ્લો 100 ટકા આદિવાસી વિસ્તાર ધરાવતો હોવાથી અહીં અનુસૂચિત જનજાતિની બેઠક ફાળવવામાં આવે છે. ડાંગ વિધાનસભા બેઠક ઉપર અત્યાર સુધી વિવિધ ટર્મ માટે કુલ 6 ઉમેદવારો બન્યાં છે. જેમાં ઉમેદવારોનાં ઉતાર-ચડાવ થતાં રહ્યાં છે. આ લિસ્ટમાં ડાંગ- વાંસદા બેઠક ઉપર સૌથી વધુ વખત ચૂંટાઈ આવનારા નેતા માધુભાઈ ભોય છે. જે પ્રથમ વાર JDU પાર્ટી તરફથી ચૂંટાઈ આવ્યાં હતાં. ત્યારબાદ ત્રણ ટર્મ માટે કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાયા હતાં. હાલમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપેલા પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીત પણ બે વખત ચૂંટાઈ આવ્યાં છે. જ્યારે અન્ય ઉમેદવારો જેઓ 1975 બાદ ફક્ત એક વખત ચૂંટાઈ આવ્યાં છે.
ડાંગ બેઠક કોંગ્રેસનો ગઢ
ડાંગ વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક ઉપર સૌથી વધુ વખત કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાઈ આવ્યાં છે. જ્યારે JDU અને BJPને ફક્ત એકવાર જીત મળી છે. ગુજરાતની 14મી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમાદવાર મંગળ ગાવીતે રાજીનામું આપ્યા બાદ પેટા ચૂંટણી યોજાઈ રહી છે.
આ વખતની ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપના ઉમેદવાર વિજય પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવીત વચ્ચે છે. ઉપરાંત 1 ઉમેદવાર BTP અને બાકીના અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
મતદાકોની કુલ સંખ્યા
ડાંગ બેઠક માટે કુલ મતદારોની સંખ્યા 1 લાખ 78 હજાર 157 છે. જેમાં આહવા તાલુકામાં 75 હજાર 969, વઘઇમાં 52 હજાર 744 અને સુબિરમાં 4 હજાર 944 મતદારો છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 89 હજાર 405 જયારે સ્ત્રી મતદારોની સંખ્યા 88 હજાર 749 છે. જ્યારે અન્ય 3 મતદારો છે.
ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ
ભાજપ ઉમેદવાર દ્વારા ચૂંટણી પ્રચારના મુખ્ય મુદ્દાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વિકારકાર્યો છે. જ્યારે સ્થાનિક મુદ્દાઓમાં PG કોલેજ અને મજૂર વર્ગનું સ્થળાંતર અટકાવવાનાં પ્રયાસો છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવારનાં ચૂંટનીનાં મુખ્ય મુદ્દાઓમાં સ્થાનિક રોજગારી ઉભી કરવી અને સારું શિક્ષણ એ મુખ્ય મુદ્દા છે.