ઘણા એવા જોખમ, સમસ્યા અને પડકારો એટલા સંકુલ હોય છે જેની આગોતરી કલ્પના કરી શકાતી નથી. તેમાં એક છે ફ્રૉડ એટલે કે છેતરપિંડી, જે આર્થિક વ્યવહારમાં વ્યાપક રીતે થઈ શકે છે. કાયદામાં છેતરપિંડીની સ્પષ્ટ વ્યાખ્યાઓ થયેલી છે. આર્થિક ગુનાઓમાં છેતરપિંડીનો સમાવેશ થઈ જાય છે. છેતરપિંડીથી સમાજમાં એકબીજા પર વિશ્વાસ હોય છે તેની સમસ્યા ઊભી થાય છે. બે પક્ષો વચ્ચે અને સરકાર સાથે કામકાજમાં વેપારીએ વિશ્વાસ રાખીને કામ કરવું પડતું હોય છે.
જુદા જુદા પ્રકારની છેતરપિંડી માટે ભારતીય દંડ સંહિતા (ઇન્ડિયન પીનલ કોડ-આઈપીસી)માં જુદી જુદી કલમો રહેલી છે. કોર્ટમાં ફ્રૉડ તરીકે ઓળખાતા કેટલાય વિવાદો આવતા રહેતા હોય છે.
કોઈ વ્યક્તિને ઇરાદાપૂર્વક છેતરીને તેની પાસેથી સ્થાવર કે જંગમ મિલકત પચાવી પાડવી તેને છેતરપિંડી ગણવામાં આવે છે. અદાલતોના જણાવ્યા અનુસાર ફ્રૉડમાં બે મહત્ત્વની બાબતો હોય છે: છેતરવું અને નુકસાન કરવું. (1) જાણવા છતાં અથવા (2) તેની સત્યતામાં ભરોસા વિના અથવા (3) સાચા ખોટાની પરવા કર્યા વિના બેદરકારીથી કોઈ રજૂઆત કરવામાં આવે ત્યારે તેને છેતરપિંડી થઈ કહેવાય.
સૌથી અગત્યની વાત એ છે કે છેતરપિંડી અને ન્યાય ક્યારેય સાથે ચાલી શકે નહિ, કેમ કે કશુંક લેવા માટે અયોગ્ય રીતે ઇરાદાપૂર્વક ખોટું કરવામાં આવતું હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો બીજાને નુકસાન કરીને લાભ લેવાની વાત.
આ રીતે તેમાં બે બાબતો હોય છે: એક તરફ લાભ કે ફાયદો લેવાની વાત અને બીજી બાજુ નુકસાન કરવાની વાત. દેશમાં કુલ કેટલા અને કેટલા પ્રકારના ફ્રૉડ થાય છે તે જાણવું મુશ્કેલ હોય છે.
કોર્ટમાં એવા કેસ આવતા હોય છે, જેમાં ચિટિંગ, ખોટા દસ્તાવેજો કે બીજી રીતથી મિલકતો પચાવી પાડવી, પિરામીડ સ્કીમ, ગ્રાહકો સાથે છેતરપિંડી, ખોટું વેચાણ વગેરે હોય છે.
છેતરપિંડીથી વેપાર અને અર્થતંત્રને નુકસાન
ભારતના અર્થતંત્રના વિકાસના કારણે આર્થિક તકો વધવાની સાથે દરેક પ્રકારના છેતરપિંડીના કિસ્સા વધી ગયા છે. ભ્રષ્ટાચાર અને કાળા નાણા સિવાયના પણ ફ્રૉડ વધી પડ્યા છે. ટેક્નોલૉજીમાં સુધારાને કારણે પણ છેતરપિંડી વધી છે તે વક્રતા છે.
છેતરપિંડી અને તેનું જોખમ ભારત પૂરતા મર્યાદિત નથી. દુનિયાભરના વેપારમાં તેની અસર થાય છે. જુદા જુદા અભ્યાસોમાં વૈશ્વિક વેપારમાં થતી છેતરપિંડી અને જોખમના કિસ્સા પણ બહાર આવ્યા છે.
ગયા વર્ષે 62% વેપારીઓનું કહેવું હતું કે આગલા વર્ષ કરતાં તેમની સામે એક યા બીજા પ્રકારના ફ્રૉડનું જોખમ વધ્યું હતું. ભારતમાં એક તૃતિયાંશ વેપારીઓનું કહેવું હતું કે તેમણે આંતરિક અથવા બાહ્ય છેતરપિંડીનો સામનો કરવો પડ્યો હતો.
2018માં એક સર્વેમાં 49% ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે તેઓ કોઈને કોઈ પ્રકારના છેતરપિંડીનો ભોગ બન્યા હતા. 2016 કરતાં આ પ્રમાણ 36% વધ્યું હતું.
છેતરપિંડીના પ્રકારો અને પદ્ધતિ એટલા સંકુલ થવા લાગ્યા છે કે વધુ ને વધુ વેપારીઓને લાગે છે કે તેઓ સામનો કરી શકે તેમ નથી. છેતરપિંડી અટકાવવા માટેના પગલાં લેવા કંપનીઓએ પહેલા કરતાં વધારે મૂડી રોકવી પડે છે.
હાલના સમયમાં ચિંતાનું કારણ એ બન્યું છે કે આર્થિક ગુનાઓ વધુ પ્રમાણમાં આંતરિક રીતે થવા લાગ્યા છે. ખાસ કરીને એકબીજાને પરિચિત લોકો છેતરપિંડી કરતા થયા છે.
હાલમાં જ 128 મોટા અર્થતંત્રોનો અભ્યાસ કરવામાં આવ્યો તેમાં જુદી જુદી કેવા પ્રકારની છેતરપિંડી થાય છે તેના પ્રમાણનો ખ્યાલ આવ્યો હતો: આંતરિક માહિતી લીક થવી (39%), ડેટાની ચોરી (29%), ત્રીજી પાર્ટી દ્વારા પ્રતિષ્ઠાને હાની (29%), બાહ્ય પરિબળો દ્વારા છેતરપિંડી (28%), આંતરિક લોકો દ્વારા ફ્રૉડ (27%), ઇન્ટલેક્ચુઅલ પ્રોપર્ટીની ચોરી (24%), નકલ (17%), મની લોન્ડરિંગ (16%).
ભારતમાં પણ સ્થિતિ બહુ જુદી નથી. ઘણા બધા (45%) કિસ્સાઓમાં આંતરિક રીતે કર્મચારીઓએ છેતરપિંડી કરી હોય તેવું બન્યું હતું. બીજા 29% છેતરપિંડીના કિસ્સા થર્ડ પાર્ટી દ્વારા થયા હતા. માત્ર 3% આંતરિક ફ્રોડ અને 7% બાહ્ય ફ્રોડ એવી વ્યક્તિ દ્વારા થયા હતા, જેમાં અજાણી વ્યક્તિ હતી.
કંપનીમાં સિનિયર મેનેજર દ્વારા થતી છેતરપિંડી પણ વધી છે તે ચિંતાજનક છે: 2016માં આવા કિસ્સા 16% હતા, તે 2018માં વધીને 24% થયા હતા. રસપ્રદ વાત એ છે કે મોટા ભાગના ફ્રૉડ આંતરિક ઑડિટને કારણે અને કેટલાક કિસ્સા બહારના ઑડિટને પકડાયા હતા.
આ સંદર્ભમાં ટેક્નોલૉજી અને તેના કારણે આવેલી સંકુલતાની અસર સમજવી જોઈએ. કનેક્ટિવિટીને કારણે છેતરપિંડી થવાનું જોખમ વધી ગયું છે. તેના કારણે જ સાયબર સિક્યુરિટી, ડેટાની ચોરી અને ઇન્ટલેક્ચુઅલ પ્રોપર્ટીની ચોરી તથા માહિતી લીક થવી વગેરે છેતરપિંડીના કિસ્સા વધી ગયા છે. તેથી તેનો સામનો કેવી રીતે કરવો તે કંપનીઓ માટે પ્રાથમિકતા બની ગઈ છે.
આ પ્રકારની છેતરપિંડીને કારણે શું અસર થાય અને કેટલું નુકસાન થઈ શકે તે સમજી લેવું જરૂરી બન્યું છે. આવા કેટલાક ફ્રૉડ થયાનો ખ્યાલ પણ આવતો નથી અને ઘણી વાર પ્રતિષ્ઠાના ભયે તેને જાહેર પણ કરવામાં આવતા નથી. તેના કારણે ખરેખર કેટલું નુકસાન થાય છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.
અમેરિકામાં ફેડરલ ટ્રેડ કમિશન (FTC) જેવા વિભાગો આ માટે સર્વે કરતા રહેતા હોય છે. FTCના અંદાજ પ્રમાણે વસતિના 16% એટલે કે 4 કરોડ અમેરિકીઓ દર વર્ષે જુદી જુદી આર્થિક છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. ભારતમાં આવા ફ્રૉડથી સૌથી વધુ નુકસાન બેન્કોને થાય છે. ગત નાણાકીય વર્ષમાં બેન્કિંગ ફ્રૉડને કારણે 71,500 કરોડ રૂપિયા જેટલું નુકસાન થયું હતું. 2018-19ના નાણાંકીય વર્ષમાં 3766 છેતરપિંડીના કિસ્સા થયા હતા, જે 15% જેટલો વધારો દર્શાવતા હતા.
આ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષમાં સીબીઆઈએ પિરામીડ અને ગેરકાયદે રીતે ડિપોઝીટ કરવાની સ્કીમના ફ્રૉડ પકડી પાડ્યા છે, જેમાં રોકાણકારોને લગભગ 1.2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
આ ઉપરાંત GSTમાં ફ્રૉડના કિસ્સા પણ વધવા લાગ્યા છે અને લગભગ 45,000 કરોડનું નુકસાન થયાનો અંદાજ છે. આ અંદાજોમાં ખાનગી વ્યક્તિઓ અને કંપનીઓને થયેલી નુકસાનીનો અંદાજ નથી. મિલકતો, કોન્ટ્રેક્ટ, દસ્તાવેજો અને એકાઉન્ટિંગમાં છેતરપિંડીના આ બધા કિસ્સાઓ છે. આવા કિસ્સાની ફરિયાદો વધી રહી છે અને કોર્ટમાં કેસોનો ભરાવો થયો છે, તે દર્શાવે છે કે સરકારે આ જોખમ સામે સાવધ થવું જરૂરી છે.
છેતરપિંડીનો સામનો
છેતરપિંડી અટકાવવી સહેલી છે અને પ્રામાણિકતા અને શૈક્ષણિક સજ્જતા તેના માટે જરૂરી છે. મોટા ભાગના કિસ્સા કેટલીક કાળજી ના લેવાય ત્યારે થતી હોય છે. સૌથી અગત્યની બાબત એ છે કે કોઈ પણ સોદો કરતાં પહેલાં તેના કાનૂની પાસાને જાણી લેવા જોઈએ. લેટીનમાં કહેવત છે: “પોતાની પાસે ના હોય, તે કોઈ આપી શકે નહિ” તેનો અર્થ એ કે ખરીદતા પહેલાં ખરાઈ કરી લેવી જોઈએ. મોટા ભાગે અંદરના માણસો દ્વારા ગોલમાલ થતી હોય છે, તેથી પેઢીએ પૂરતી તપાસ રાખવી જોઈએ.
તેનો અર્થ એ કે સોદો કરતાં પહેલાં ચકાસણી અને ખરાઈ કરી લેવી જોઈએ. તે પછી સૌથી જરૂરી છે સામી પાર્ટીના હેતુ - ઈરાદા શું છે તે જાણી લેવા.
બીજા ઘણા દેશોની જેમ ભારતમાં ફોરેન્સિક ઑડિટિંગ થતું નથી અને ફ્રૉડ થતો પારખી શકે તેવા નિષ્ણાતો સર્ટિફાઇડ ફ્રૉડ એક્ઝામિનર્સ કામે રખાતા નથી. ફોરેન્સિક ઑડિટિંગ અને ફ્રૉડની પરખના અભ્યાસક્રમો ભારતની યુનિવર્સિટીઓમાં દાખલ કરવા જરૂરી છે.
ફ્રૉડ અને સંબંધિત આર્થિક ગુનાઓ બાબતમાં ન્યાયતંત્રમાં પણ સુધારા કરવા જરૂરી છે તે પણ સરકારે વિચારવું જરૂરી છે. હાલમાં કેસોનો ભરાવો થયો છે ત્યારે સરકારે આર્થિક ગુના માટે વિશેષ અદાલતોની રચના કરવા જરૂરી છે. ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કૉડમાં જોગાઈ છે તે પ્રમાણે, નિશ્ચિત સમયમર્યાદામાં તે કામ કરે તેવું કરવું જરૂરી છે.
તેની સાથે આર્બિટ્રેશન એટલે કે સમાધાનની પ્રક્રિયા દ્વારા વિવાદો ઉકેલવાને પણ પ્રોત્સાહન આપવું જોઈએ. ઝડપી ન્યાય મળે અને વિવાદો ઉકેલી શકાય તો છેતરપિંડી કરતા પહેલાં લોકો વિચારતા થશે. આર્થિક છેતરપિંડી ઘટશે તો તેનાથી ભારતના અર્થતંત્રને જ ફાયદો થશે. ખોટું કરનારાને તરત ભોગવવું પડશે તેવી ખાતરી મળશે તો સોદા કરનારા પક્ષોને તંત્ર પર ભરોસો હશે. તેનાથી પરસ્પર વધારે વિશ્વાસ સાથે કામકાજ કરી શકાશે.
લેખક : ડૉ. એસ. અનંત