શનિવારે અડધી રાત્રે વાવાઝોડુ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના કાંઠે ત્રાટક્યું હતું અને 14 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
એક IAS અધિકારીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોના સર્વેક્ષણ પછી, વિવિધ વિભાગો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રાથમિક અહેવાલમાં વચગાળાનો અંદાજ તૈયાર કરવામાં આવ્યો છે. વિભાગો પોતાનો અહેવાલ રજૂ કરશે. જે બાદ અંતિમ અનુમાન લગાવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, પ્રારંભિક અંદાજ મુજબ, નુકસાન 15,000 કરોડ રૂપિયાથી વધીને 19,000 કરોડ સુધી પહોંચી શકે છે.
ઉત્તર 24 પરગણા, દક્ષિણ 24 પરગણા અને પૂર્વ મિદનાપુર જિલ્લામાં થયેલા નુકસાનના સંપૂર્ણ અહેવાલ હજી સચિવાલય સુધી પહોંચ્યા નથી.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે, મુખ્ય સચિવ રાજીવ સિંહાએ મંગળવારે રિપોર્ટ માંગ્યો છે.
સિંચાઈ, વન, કૃષિ, વીજળી, જાહેર આરોગ્ય અને એન્જિનિયરિંગ અને પંચાયતો સહિતના ઓછામાં ઓછા 14 વિભાગોને બુધવારે પોતાનો અહેવાલ રજૂ કરવા જણાવાયું છે. તેમણે કહ્યું હતું કે, અંતિમ અહેવાલ તૈયાર થયા બાદ તે કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.