બેંગલુરુ: ગયા અઠવાડિયે બેંગલુરુ શહેરના અમુક વિસ્તારોમાં હિંસા ફાટી નીકળ્યા બાદ હિંસા પ્રભાવી વિસ્તારોમાં પ્રતિબંધી હુકમો મંગળવાર સુધી વધારવામાં આવ્યા છે. હિંસા દરમિયાન પોલીસ ફાયરિંગમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો. કર્ફ્યુના ઓર્ડર 16 ઓગસ્ટની સવારથી 18 ઓગસ્ટની સવાર સુધી લાગુ રહેશે.
બેંગલુરુના પોલીસ કમિશ્નર કમલ પંતે જણાવ્યું છે કે, કોઈપણ સ્થળે બે કરતા વધારે વ્યક્તિઓ એકઠા થવા, કોઈપણ પ્રકારના હથિયારો લઈ જવા અને કોઈપણ જાહેર સભા બોલાવવા પર પ્રતિબંધ છે. તેમણે કહ્યું કે, જે લોકો તેનું ઉલ્લંઘન કરે છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
નોંધનીય છે કે, પુલકેશી નગરના કોંગ્રેસના ધારાસભ્ય આર અખંડ શ્રીનિવાસ મૂર્તિના સંબંધી પી નવીન દ્વારા સોશિયલ મીડિયા પર કથિત વાંધાજનક પોસ્ટ કરવામાં આવ્યી હતી. જે બાદ મંગળવારે રાત્રે ડીજે હલ્લી અને તેના આસપાસના વિસ્તારોમાં હિંસા થઇ હતી. જેને કાબુમાં કરવા માટે પોલીસે ફાયરિંગ કરી હતી જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા.
તોફાનીઓએ ધારાસભ્યના નિવાસસ્થાન અને ડી.જે.હલ્લી પોલીસ સ્ટેશનન સિવાય પોલીસ વાહનો અને અનેક ખાનગી વાહનોને આગ ચાંપી હતી. તોફાનીઓએ ધારાસભ્ય અને તેની બહેનના નિવાસસ્થાનને લૂંટ કરી હતી. હિંસાના સંદર્ભમાં, બેંગ્લોર પોલીસે અત્યાર સુધીમાં 200 જેટલા લોકોની ધરપકડ કરી છે અને ઘણા લોકોને અટકાયતમાં લીધા છે.