નવી દિલ્હીઃ કેન્દ્રએ કહ્યું કે, કોરોના વાઇરસના સંક્રમણને ફેલાવાથી ઉભી થયેલી સ્થિતિ અમદાવાદ, સુરત, હૈદરાબાદ અને ચૈન્નઇ સહિત અન્ય હૉટસ્પોટ વિસ્તારોમાં ગંભીર છે. સરકારે આ શહેરોમાં સ્થિતિનું મોનિટરિંગ કરવા માટે મંત્રાલયની ટીમ મોકલી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ જાહેરાત એ દિવસે કરી છે, જ્યારે અમદાવાદ નગર નિગમ આયુક્ત વિજય નેહરાએ કહ્યું કે, જો કેસના બમણો દર વર્તમાન દિવસના ચાર દિવસ સુધી ચાલુ રહેશે તો ગુજરાતના આ શહેરમાં કોવિડ 19ના દર્દીઓની સંખ્યા મેના અંત સુધીમાં વધીને 8 લાખ થઇ શકે છે. અત્યાર સુધી અમદાવાદ શહેરમાં 1638 કેસ સામે આવ્યા છે, જ્યારે ગુજરાતમાં તે સર્વાધિક છે. રાજ્યમાં સંક્રમણના 2800થી પણ વધુ કેસ સામે આવી ચૂક્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક નિવેદનમાં કહ્યું કે, દેશના અમુક ભાગોમાં લૉકડાઉન દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન થવું એ લોકોના સ્વાસ્થય માટે એક ગંભીર ખતરો છે અને તેને લીધે કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે.
આ ઉપરાંત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મોટા હૉટસ્પોટ જિલ્લા અથવા શહેરો, જેવા કે, અમદાવાદ અને સુરત, થાને, હૈદરાબાદ, ચૈન્નઇમાં સ્થિતિ વિશેષ રુપે ગંભીર છે.
ઉલ્લેખનીય છે કે, હૉટસ્પોટ- કોરોના વાઇરસથી વધુ પ્રભાવિત ક્ષેત્રને કહેવામાં આવે છે. મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના વાઇરસના સંક્રમણના 394 નવા કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 7 હજાર થઇ ચૂકી છે. આ મામલે ગુજરાત બીજા સ્થાન પર છે, જ્યારે તમિલનાડૂ 1755 કેસની સાથે છઠ્ઠા સ્થાને છે. આ ઉપરાંત તેલંગાણામાં 983 કેસ સામે આવ્યા છે.
ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે સંવાદદાતા સમ્મેલનમાં કહ્યું કે, અતિરિક્ત સચિવ સ્તરના અધિકારીઓના નેતૃત્વમાં આ ટીમો અમદાવાદ, સુરત, હૈદરાબાદ, અને ચૈન્નઇની મુલાકાત કરશે.
તેમણે કહ્યું કે, આ પહેલા 6 અંતર મંત્રાલયની ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું અને મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં લૉકડાઉન હેઠળ સમીક્ષા માટે મોકલવામાં આવ્યા હતા. આમાંથી બે ટીમોને પશ્ચિમ બંગાળ મોકલવામાં આવી છે.