હૈદરાબાદ: આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 18552 નવા કોવિડ-19ના કેસ નોંધાયા હતા. કોરોના કેસની સંખ્યા 5 લાખથી વધી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 384 લોકો મૃત્યુ પામ્યા હતા.
દિલ્હી
મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હી સરકારે કોવિડ -19ના દર્દીઓ માટે બેડ વધાર્યા છે. પરીક્ષણની સંખ્યામાં વધારો કર્યો છે. હોમ આઈસોલેશનમાં રહેતા દર્દીઓને ઓક્સિમીટર અને પ્લાઝ્મા થેરાપી ઉપલબ્ધ કરાવ્યા છે.
કર્ણાટક
બીએસ યેદિયુરપ્પાની આગેવાનીવાળી સરકારે નિર્ણય લીધો છે કે, 5 જુલાઈથી રાજ્યભરમાં દર રવિવારે કડક લોકડાઉન જોવા મળશે. અહેવાલો અનુસાર, સરકારી કચેરીઓમાં 10 જુલાઇથી 5 દિવસનો સપ્તાહ રહેશે. રાત્રિના કર્ફ્યૂ સમયને રાત્રે 8 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી બદલવામાં આવ્યો છે. 100 વર્ષની વૃદ્ધ મહિલાએ કોરોનાને માત આપી છે.
મહારાષ્ટ્ર
મુંબઈ નજીક એક ગામને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. જે વ્યક્તિના લગ્ન થવાના હતા તેનો ભાઈ ઈન્ફેક્શનથી મૃત્યુ પામ્યો હતો. લગભગ 90 લોકો હલ્દીના પ્રસંગમાં ભાગ લીધો હતો. દરેક લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
હિમાચલ પ્રદેશ
કેન્દ્ર સરકારે હિમાચલ પ્રદેશને કોરોના વાઈરસ વિરુદ્ધની લડતમાં 500 વેન્ટિલેટર પૂરા પાડ્યા છે. તેમાંથી 178 ટ્રાન્સપોર્ટ વેન્ટિલેટર છે અને બાકીના 322 આઇસીયુ વેન્ટિલેટર છે. મેડિકલ કોલેજો, જિલ્લા હોસ્પિટલો અને અન્ય આરોગ્ય સંસ્થાઓમાં વેન્ટિલેટર લગાવવામાં આવી રહ્યાં છે કે જ્યાં કોવિડ કેસ છે.
ઝારખંડ
આરોપીને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા બાદ તે કોરોના પોઝિટિવ આવતા બારી પોલીસ સ્ટેશનને કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ બનાવના પગલે કુલ 58 પોલીસ અધિકારીઓ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે.
ઉત્તરપ્રદેશ
રાજ્યમાં કોરોના વાઈરસને કારણે 19 મૃત્યુ થયા છે અને 605 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોવિડ-19ના કેસ 21,548 પર પહોંચ્યા છે, જ્યારે મૃત્યુઆંક વધીને 649 થઈ ગયો છે. ચેપમાંથી સ્વસ્થ થયા પછી અત્યાર સુધીમાં કુલ 14,215 લોકોને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે.
બિહાર
રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં COVID-19ના કેસની સંખ્યા 9,000ની નજીક પહોંચી રહી છે. જો કે, રિકવરી રેટ વધીને 77 ટકા થઈ ગયો છે. જે નિશ્ચિતપણે સકારાત્મક સંકેત છે. જ્યારે બિહારમાં 6,669 દર્દીઓ આ રોગમાંથી સ્વસ્થ થયા છે અને 56 લોકોના મોત થયા છે.
રાજસ્થાન
રાજ્યમાં એક ગંભીર તબીબી બેદરકારી સામે આવી છે. જયપુર બીડીએમ હોસ્પિટલમાં કોવિડ-19થી મૃત્યુ પામેલા દર્દીના મૃતદેહ નજીક કોવિડ-19થી ચેપગ્રસ્ત દર્દીની સારવાર કરવામાં આવી હતી.
પંજાબ
પંજાબમાં શનિવારે કોરોના વાઈરસથી વધુ 7 લોકોનાં મોત નીપજ્યાં હતા. કુલ મૃતકોની સંખ્યા વધીને 128 થઈ ગઈ છે. જ્યારે 100 નવા કેસો નોંધાતા રાજ્યમાં કોવિડ-19ના કેસની સંખ્યા 5,056 પર પહોંચી ગઈ છે. શનિવારે 119 જેટલા કોવિડ-19ના દર્દીઓ સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 3,320 લોકો ચેપથી સાજા થયા છે.