નવી દિલ્હી : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના કારણે મરનારની સંખ્યામાં રવિવારના રોજ ઉતરોતર વધારા સાથે 273ના મોત થયા છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 8356 પર પહોંચી છે.
દેશમાં 24 કલાકમાં સંક્રમણના 909 કેસ સામે આવ્યા છે અને 34 લોકોના મોત નિપજ્યા છે.
મંત્રાલયનું કહેવુ છે કે હાલમાં દર્દીઓની સ્ખ્યા 7357 છે કારણ કે 715 લોકો સ્વસ્થ થઇ ડિસ્ચાર્જ કરાયા છે, જ્યારે એક વ્યક્તિ વિદેશ જતો રહ્યો હતો.
જો રાજ્યના આંકડાની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં 187, દિલ્હીમાં 165, રાજસ્થાન 139, ગુજરાતમાં 90 અને મધ્ય પ્રદેશમાં 78 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત કર્ણાટકમાં 8, ઝારખંડ અને હરિયાણામાં 3-3 તથા બિહારમાં 4 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
છ રાજ્યોમાં લોકડાઉન વધારાયું
દેશમાં 21 દિવસના લોકડાઉનની અવધી પુર્ણ થવાને આરે પહોંચી છે, ત્યારે 6 રાજ્યોએ લોકડાઉનમાં વધારો કર્યો છે. જેમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગણા, પંજાબ, કર્ણાટક અને ઓડિશામાં લોકડાઉનનો સમયગાળો વધારી અને 30 એપ્રિલ કરાયો છે.
ઉલ્લેખનિય છે કે આ તમામ રાજ્યોએ લોકડાઉનના દિવસોમાં વધારો કરતા પહેલા વડાપ્રધાન મોદી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી હતી. જેમાં આશરે 3થી 4 કલાક વાતચીત ચાલ્યા બાદ 6 રાજ્યોએ પોતાની રાજ્ય સરકારને લોકડાઉનમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો.