નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ કોરોના વાઇરસ સામે લડવા માટે શનિવારે પીએમ કેયર્સ ફંડનું ગઠન કર્યું હતું. આ નિધિમાં તેમણે દેશવાસીઓને ઇચ્છાનુસાર યોગદાન આપવા માટે અપીલ કરી હતી. પીએમની અપીલ બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (BCCI) આ ફંડમાં 51 કરોડ રુપિયા આપ્યા છે.
પૂર્વ ભારતીય કૅપ્ટન સૌરભ ગાંગૂલીના નેતૃત્વવાળી BCCIએ કોરોના વાઇરસ સામે લડવા માટે પીએમ કેયર્સ ફંડમાં 51 કરોડ રુપિયાનું યોગદાન આપ્યું છે.
પીએમ કેયર્સ ફંડનું ગઠન થવાની સાથે જ ભારતીય પ્રશાસનિક સેવા એસોસિએશને પણ પ્રારંભિક યોગદાનના રુપે 21 લાખ રુપિયાની સહાય કરી હતી. આ ઉપરાંત વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગે (યૂજીસી) શનિવારે કોરોના વાઇરસ સામે લડવા માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાં એક દિવસનું વેતન આપ્યું હતું.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એનવી રમનાએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ, આંધ્ર પ્રદેશ મુખ્યમંત્રી રાહત કોષ અને તેલંગણાના મુખ્યમંત્રી રાહત ફંડમાં એક-એક લાખ રુપિયાની સહાય રકમ આપી છે. આ તકે તેઓએ સંબંધિત અધિકારીઓેને ચેક સોંપ્યા હતા.